શું ભાજપમાં ભળી થશે આ ‘સેક્યુલર’ પાર્ટી? પક્ષના અધ્યક્ષે જ આપ્યું મોટું નિવેદન
- મારી પાર્ટીના કાર્યકરોની ‘સામાન્ય ભાવના’ ભાજપમાં જોડાવાની તરફેણમાં : અધ્યક્ષ
- ભાજપમાં અમારી પાર્ટીનું જોડાવું તે નદીમાં જોડાતા નાના પ્રવાહ જેવુ થશે : પી.સી. જ્યોર્જ
કોટ્ટયમ(કેરળ), 30 જાન્યુઆરી: એક ‘સેક્યુલર’ પાર્ટી ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં ભળી શકે છે. હકીકતમાં, કેરળના પૂર્વ ધારાસભ્ય પી.સી. જ્યોર્જે મંગળવારે સંકેત આપ્યા હતા કે, તેમની આગેવાની હેઠળની કેરળ જનપક્ષમ (સેક્યુલર) પાર્ટી ભાજપમાં ભળી જાય તેવી શક્યતા છે. કેરળમાં મીડિયા સાથે વાત કરતા જ્યોર્જે કહ્યું હતું કે, તેમની પાર્ટીના કાર્યકરોની ‘સામાન્ય ભાવના’ ભાજપમાં જોડાવાની તરફેણમાં છે અને આ અંગેનો નિર્ણય લોકસભા ચૂંટણી પહેલા લેવામાં આવશે. જો આવો નિર્ણય લેવામાં આવે છે, તો તે વિલીનીકરણ નહીં કહેવાય ‘કારણ કે અમારો પક્ષ ખૂબ જ નાનો છે અને તે નદીમાં જોડાતા નાના પ્રવાહ જેવુ થશે’
જ્યોર્જ 30 વર્ષથી વધુ સમયથી ધારાસભ્ય છે
જ્યોર્જ, જે કેરળ વિધાનસભાની પૂંજર સીટ પર 30 વર્ષ કરતા વધુ સમયથી ધારાસભ્ય હતા, તેમણે સંકેત આપ્યા છે કે તેઓ ટૂંક સમયમાં તેમની પાર્ટીને ભાજપમાં વિલય કરશે. 30 વર્ષથી વધુ સમય સુધી કેરળ વિધાનસભામાં પૂંજર સીટનું પ્રતિનિધિત્વ કરનારા જ્યોર્જે નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે, “ભારતમાં આટલા કાર્યક્ષમ વડાપ્રધાન ક્યારેય નહોતા. અમારી પાર્ટીના કાર્યકર્તાઓનો અભિપ્રાય છે કે આપણે પીએમ મોદીને સમર્થન આપવું જોઈએ.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જો તેઓ ભાજપમાં જોડાશે તો શું તેઓ લોકસભાની ચૂંટણી લડશે ? તો તેમણે કહ્યું કે, ‘જો ભાજપ મને ચૂંટણી લડવાનું કહેશે તો હું લડીશ, જો નહીં કહે તો હું લડીશ નહીં.’
1982માં પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી
કોટ્ટયમ જિલ્લાના પૂંજર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા 7 વખત ભૂતપૂર્વ ધારાસભ્ય જ્યોર્જે 1982થી 1987 અને 1996થી 2022 સુધી કુલ 33 વર્ષ સુધી કેરળ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2016ની વિધાનસભાની ચૂંટણીઓ પછી પોતાની પાર્ટી કેરળ જનપકક્ષમ (સેક્યુલર) ની રચના કરતા પહેલા તેઓ વિવિધ રાજકીય પક્ષો જેમ કે કેરળ કોંગ્રેસ, કેરળ કોંગ્રેસ (જોસેફ), કેરળ કોંગ્રેસ (મણિ) અને કેરળ કોંગ્રેસ (સેક્યુલર) સાથે સંકળાયેલા હતા.
કેરળ વિધાનસભાના ચીફ વ્હીપ તરીકે પણ આપી હતી સેવા
તેમની રાજકીય કારકિર્દી દરમિયાન, જ્યારે યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સરકાર સત્તામાં હતી ત્યારે જ્યોર્જ 2011થી 2015 સુધી કેરળ વિધાનસભાના ચીફ વ્હીપ જેવા હોદ્દા પર રહ્યા હતા. બાદમાં તેમણે 2017માં પોતાની પાર્ટીની સ્થાપના કરી હતી. જ્યોર્જ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય હરીફાઈમાં ડાબેરી(Leftist) ડેમોક્રેટિક ફ્રન્ટના ઉમેદવાર સામે તેમના ગઢ પૂંજર વિસ્તારમાં ચૂંટણી હારી ગયા હતા.
આ પણ જુઓ: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટો ઉલટફેર : ભાજપ 16 મતોથી જીત્યું, 20 મતોવાળું ઈન્ડિ ધ્વસ્ત