અમદાવાદ, 29 જાન્યુઆરી 2024, આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરાઈ છે. 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ગુજરાત રાજ્યમાં આગામી એપ્રિલ માસમાં રાજ્યસભાની 4 સીટ પરના સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે. 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે.
ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે
ગુજરાત વિધાનસભાનાં પરિણામોના આધારે ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર નીવડશે.ગુજરાતમાં રાજ્યસભાના જે સાંસદોએ ત્રણ વર્ષની ટર્મ પૂરી કરી લીધી છે એમાં એસ. જયશંકર, જુગલજી ઠાકોર, દિનેશચંદ્ર અનાવાડિયાની નિવૃત્તિ થઈ હતી અને ફરીથી ચૂંટણી થઈ હતી. એમાં એસ. જયશંકર રિપીટ થયા છે, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાની જગ્યાએ બાબુભાઈ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા ચૂંટાયા હતા. હાલમાં મનસુખ માંડવિયા મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે મોદીના જૂના અને હાલના સાથી પરસોત્તમ રૂપાલા ફિશરિસ અને એનિમલ હસ્બન્ડરી સહિતના ખાતાઓની જવાબદારી સંભાળી રહ્યા છે.
27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે
રાજ્યભાની ચૂંટણી માટે નોટિફિકેશન 8 ફેબ્રુઆરીના રોજ એટલે કે વચગાળાના બજેટ પરથી જાહેર થશે. આ પછી ફોર્મ પરત ખેંચવાની તારીખ 20 ફેબ્રુઆરી છે. જે બાદ 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. એટલે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા રાજ્યસભાની ચૂંટણી મહત્વની સાબિત થશે. આ ભાજપ અને કોંગ્રેસ સહિત સ્થાનિક પક્ષો માટે પણ મહત્વની સાબિત થશે. જેમાં ગઠબંધન અને મહાગઠબંધનની કેવી અસરો રહે છે તે પણ સ્પષ્ટ થઈ શકે છે.
આ પણ વાંચોઃભાજપમાં જોડાવા સરકારી નોકરી છોડી, GST વિભાગના રમેશ ચૌહાણે VRS લઈને કેસરી ખેસ પહેર્યો