ઑનલાઈન મની ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર, આ તારીખથી થશે લાગુ
મુંબઈ, 29 જાન્યુઆરી: IMPS દ્વારા નાણાં ટ્રાન્સફર કરવાના નવા નિયમો 1લી ફેબ્રુઆરી 2024થી લાગુ થશે. પહેલી ફેબ્રુઆરીથી બેન્ક ખાતાધારકો મોબાઈલ નંબર ઉમેરીને એક ખાતામાંથી બીજા ખાતામાં IMPS દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) અનુસાર, આમાં કોઈ બેનિફિશિયરીને ઉમેરવાની જરૂર નથી. તેમજ IFSC કોડની પણ જરૂર નથી. આ ઑનલાઈન મોડ દ્વારા એક બેન્કમાંથી બીજી બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.
ફેરફાર 1લી ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યો છે
આ માટે NPCIએ 31 ઑક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને હવે 1 ફેબ્રુઆરીથી IMPSના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે જેના આધારે કોઈ પણ લાભાર્થીનું નામ ઉમેર્યા વિના વ્યક્તિ 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકશે. હાલમાં, જ્યાં સુધી લાભાર્થીની વિગતો ઉમેરવામાં ન આવે ત્યાં સુધી ફંડ ટ્રાન્સફર કરી શકાતું નથી. હવે માત્ર બેન્ક ખાતાધારકનો મોબાઈલ નંબર ઉમેરીને એક ખાતામાંથી બીજા ખાતામાં 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો. સ્વાભાવિક રીતે લાભાર્થીના નામની જરૂર પડશે પરંતુ હવે લાંબી પ્રક્રિયાઓથી બચી જશે અને ઓછા સમયમાં સરળતાથી મોટી રકમ ટ્રાન્સફર કરી શકાશે.
વર્તમાન નિયમો અનુસાર, IMPS દ્વારા મોટી રકમ મોકલવા માટે, લાભાર્થીનું નામ, બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ દાખલ કરવો જરૂરી છે. આ પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગે છે પરંતુ નવા નિયમો લાગુ થયા બાદ યુઝર્સને આટલી લાંબી પ્રક્રિયા કરવાની જરૂર નહીં રહે અને બેન્ક ખાતામાં નોંધાયેલા મોબાઈલ નંબર અને નામ દ્વારા જ 5 લાખ રૂપિયા સુધીની ચુકવણી ટ્રાન્સફર કરી શકાશે.
IMPS દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકો છો?
- તમારી મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન ખોલો.
- તમારે મુખ્ય પેજ પર જઈને ‘ફંડ ટ્રાન્સફર’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- આગળની પ્રક્રિયા માટે ફંડ ટ્રાન્સફર માટે ‘IMPS’ પ્રોસેસનો ઉપયોગ કરો.
- લાભાર્થીનો MMID (મોબાઇલ મની આઇડેન્ટિફાયર) અને MPIN (મોબાઇલ પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર) દાખલ કરો.
- તમે એપમાં જેટલી રકમ ટ્રાન્સફર કરવા માંગો છો તે દાખલ કરો.
- બધી વિગતો તપાસ્યા પછી, આગળ વધવા માટે Confirm પર ક્લિક કરો.
- આ ટ્રાન્ઝેક્શનને પ્રમાણિત કરવા માટે તમને એક OTP પ્રાપ્ત થશે પછી તમારો નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરશો.
- તમારા ફોન પર OTP આવશે અને તમે તેને એન્ટર કરીને તમારો વ્યવહાર પૂર્ણ કરી શકો છો.
આ પણ વાંચો: 1 ફેબ્રુઆરીએ બુધાદિત્ય રાજયોગથી આ રાશિઓને થશે બમ્પર લાભ