ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

માલદીવના પ્રમુખ મુઇઝ્ઝુ વિરુદ્ધ વિપક્ષની મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી

માલે (માલદીવ), 29 જાન્યુઆરી: માલદીવની કમાન સંભાળ્યા બાદ ભારત વિરોધી વલણ અપનાવનાર પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુની સરકાર પર ખતરો મંડરાઈ રહ્યો છે. ચીન તરફી ઝુકાવ રાખનાર પ્રમુખ મુઇઝ્ઝુ તેમના ભારત વિરોધી નિવેદનોને કારણે વિપક્ષના નિશાના પર છે. વિપક્ષી દળોએ મુઇઝ્ઝુના ભારત વિરોધી વલણ અને ચીન સરકાર સાથે વધતી મિત્રતા પર સવાલ ઉઠાવ્યા છે. માલદીવની વિપક્ષી પાર્ટીઓ પ્રમુખ મુઇઝ્ઝુ સામે મહાભિયોગ પ્રસ્તાવ (ઠપકાનો પ્રસ્તાવ) લાવવા માટે સંમત થયા છે.

માલદીવના પ્રમુખ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ

હવે એવું લાગે છે કે ભારત વિરોધી મુઇઝ્ઝુ સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP), જે સંસદમાં બહુમતી ધરાવે છે, તેણે પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે પર્યાપ્ત હસ્તાક્ષર કર્યા છે. એક MDP સાંસદે SunOnline ન્યૂઝને જણાવ્યું હતું કે માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ અન્ય વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સ સાથે મળીને મહાભિયોગ પ્રસ્તાવ લાવવા પર સંમતિ બનાવી છે. જો કે વિપક્ષી પાર્ટીઓએ હજુ સુધી રજૂઆત કરી નથી.

સરકાર તરફી સાંસદો અને વિપક્ષી સાંસદો વચ્ચે ગૃહમાં ઘર્ષણ થયાના એક દિવસ બાદ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. મુખ્ય વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ કેબિનેટ પર મતદાન કરતા પહેલા પ્રમુખના કેબિનેટના ચાર સભ્યો માટે સંસદીય મંજૂરી રોકવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે સરકાર તરફી સાંસદોએ વિરોધ પ્રદર્શન શરૂ કરીને સંસદીય બેઠકની કાર્યવાહી ખોરવી નાખી હતી.

માલદીવના બે સાંસદો વચ્ચે ઝપાઝપી

મળતી માહિતી અનુસાર, માલદીવના કાંદિથિમુના સાંસદ અબ્દુલ્લા સાહીમ અને કેન્ડીકુલહુધુના સાંસદ અહેમદ ઈસા વચ્ચે ઝપાઝપી થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝપાઝપી દરમિયાન બંને સાંસદો ચેમ્બરની નજીક પડ્યા હતા, જેના કારણે સાહીમના માથામાં પણ ઈજા થઈ હતી. લઘુમતી નેતા મુસા સિરાજે આ વિવાદને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સાંસદો સ્પીકરની ખુરશી પાસે એકઠા થતા અને ઝપાઝપી કરતા જોવા મળે છે. ત્યારબાદ દેશમાં વધતા જતા રાજકીય તણાવ બાદ પ્રમુખ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે.

આ પણ વાંચો: મતદાન પહેલા જ હોબાળો: માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી, જુઓ વીડિયો

Back to top button