ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પરીક્ષા પે ચર્ચા: PM મોદીએ વિદ્યાર્થીઓને Reels જોવાના ગેરફાયદા ગણાવ્યા

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા 2024 પહેલાં દેશભરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના તણાવને ઘટાડવા માટે ‘પરીક્ષા પે ચર્ચા’ પર ચર્ચા કરી હતી. આ ઇવેન્ટ આજે એટલે કે 29 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે શરૂ થઈ હતી. જ્યાં PM મોદી 7મી વખત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે બોર્ડની પરીક્ષાઓ પહેલા તણાવ અને ડરને ઓછો કરવા માટે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ સાથે લગભગ 3000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓેને ઘણી ટીપ્સ પણ આપી હતી. તેમણે પરીક્ષાના માહોલમાં તણાવ દૂર કરવા માટે અગત્યની વાતો પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત માતા-પિતાએ કેવી રીતે બાળકો પર પરીક્ષાના સમયે ધ્યાન આપવું જોઈએ તે અંગે સંવાદ કર્યો હતો. તેમજ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને ભણાવવા એક અનુકૂળ વાતાવરણ ઊભું કરવું જોઈએ તમે જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, પરિવારમાં મોબાઈલને લઈને નિયમ હોવા જોઈએ. તેમજ ઘરના એક હિસ્સામાં નો-ગેઝેટ ઝોન બનાવવો જોઈએ. એટલું જ નહીં, શિક્ષકોને નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપવા અંગે જણાવ્યું હતું. તો વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનો ભરોસો જાળવવા માટે પણ શીખામણ આપી હતી.

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને તણાવથી બચવા જણાવ્યું

પરીક્ષા દરમિયાન તણાવનો સામનો કરવા પર પીએમ મોદીએ કહ્યું કે આપણે નાની ભૂલોથી બચવું જોઈએ. ડ્રેસિંગ સેન્સ, ખાવા-પીવા પર ભાર ન આપો. પરીક્ષા શરૂ થાય ત્યાં સુધી પુસ્તકને વળગી ન રહેવું. પરીક્ષા શરૂ થાય તે પહેલાં થોડો સમય તમારા મનને શાંતિ આપો. પરીક્ષા હૉલમાં આરામથી બેસો, મિત્રો સાથે હસો અને મજાક કરો. ઊંડા શ્વાસ લો. તમારા માટે 8-10 મિનિટ જીવો, તમારામાં ખોવાઈ જાઓ. પછી જ્યારે તમે તમારા હાથમાં પ્રશ્નપત્ર આવશે, ત્યારે તમને ટેન્શન નહીં લાગે.

એક્ઝામ હૉલમાં તમારામાં આત્મવિશ્વાસ રાખો: PM

પીએમ મોદીએ આત્મવિશ્વાસ પર ભાર આપતાં જણાવ્યું કે,  આજે પરીક્ષામાં સૌથી મોટો પડકાર લેખનનો છે, તેથી પ્રેક્ટિસ પર તમારું ધ્યાન રાખો. પરીક્ષા પહેલાં તમે જે વિષયનું વાંચન કર્યું છે તેના વિશે લખો અને પછી તેને જાતે સુધારી લો. કારણ કે જો તમે તરવાનું જાણતા હોવ તો તમે પાણીમાં જતા ડરતા નથી. જે પ્રેક્ટિસ કરે છે તેને વિશ્વાસ છે કે તે જીતી જશે. તમે જેટલું વધુ લખશો, તેટલી વધુ શાર્પનેસ આવશે. એક્ઝામ હૉલમાં અન્ય કોઈ વિદ્યાર્થી કેટલી ઝડપથી લખી રહ્યો છે, તેની આસપાસ કોણ શું કરી રહ્યું છે તે ભૂલી જાઓ અને તમારી જાત પર વિશ્વાસ રાખો.

પરીક્ષાના સમયે પરિવારની ભૂમિકા પર વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોની પરીક્ષાના દબાણ પર પરિવારની ભૂમિકા વિશે વાત કરી. તેમણે કહ્યું કે ઘણીવાર પરિવારના સભ્યો અને શિક્ષકો દબાણ આપે છે. જ્યારે, ત્રીજું કારણ પોતાના પર વધુ પડતું પ્રેશર જણાવ્યું હતું. પીએમે કહ્યું કે, તમારે તમારી જાત સાથે સ્પર્ધા કરવી પડશે, તમારા મિત્ર સાથે નહીં. મિત્રો સાથેની કૉમ્પિટિશન પર પીએમ મોદીએ કહ્યું કે તમારે તેમની સાથે સ્પર્ધા કરવાની નથી, પરંતુ તમારે તમારી જાત સાથે સ્પર્ધા કરવી પડશે. તેમને નફરત કરવાની જરૂર નથી, તેને ઈન્સ્પિરેશન (પ્રેરણા) બનાવો. આપણે પ્રતિભાશાળી મિત્રો બનાવવા જોઈએ. તેથી આપણે આ પ્રકારની ઈર્ષ્યાને ક્યારેય આપણા મનમાં પ્રવેશવા દેવી જોઈએ નહીં.

માતા-પિતા તેમના બાળકો વચ્ચે સ્પર્ધા કરે છે: પીએમ મોદી

પીએમે કહ્યું, જો જીવનમાં કોઈ પડકારો નહીં હોય તો જીવન ખૂબ જ અર્થહીન બની જશે, સ્પર્ધા હોવી જોઈએ. પરંતુ તે સ્વસ્થ હોવું જોઈએ. મને પણ પરીક્ષાની ચર્ચામાં આ પ્રકારનો પ્રશ્ન પહેલીવાર મળ્યો છે. ક્યારેક તેના ઝેર અને બીજ પરિવારના વાતાવરણમાં જ વાવવામાં આવે છે. ઘરમાં પણ બે ભાઈ-બહેન વચ્ચે આકરી હરીફાઈની લાગણી વાલીઓએ વાવી છે. હું તમને વિનંતી કરું છું કે તમારા પોતાના બાળકો વચ્ચે આવી સરખામણી ન કરો. લાંબા સમય પછી આ બીજ ઝેરી વૃક્ષ બની જાય છે. જ્યારે માતા-પિતા બહાર કોઈને પણ મળે છે તો તેઓ તેમના બાળકની વાતો કહેતા હોય છે, તે બાળકના મનમાં એવી અસર પેદા કરે છે કે હું જ સર્વસ્વ છું, મારે કંઈ કરવાની જરૂર નથી.

વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સારા સંબંધથી પરીક્ષાનો તણાવ ઓછો થશે

પીએમ મોદીએ સંગીત શિક્ષકોને કહ્યું કે તેઓ સંગીત દ્વારા વર્ગનું વાતાવરણ ખુશનુમા બનાવી શકે છે. કોઈપણ શિક્ષકના મનમાં જ્યારે પણ આ વિચાર આવે કે, હું વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાના તણાવને કેવી રીતે દૂર કરી શકું? તો શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. આ પરીક્ષાના દિવસોમાં કોઈપણ તણાવ ટાળશે.

શિક્ષક અને વિદ્યાર્થીઓના મજબૂત સંબંધ વિશે વાત કરી

શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ એવો હોવો જોઈએ કે વિદ્યાર્થીઓને લાગે કે તે ‘સબ્જેક્ટ રિલેટેડ બૉન્ડ’ કરતાં વધુ અગત્યનું છે. આ બંધન વધુ ઊંડું હોવું જોઈએ. આ સંબંધ એવો હોવો જોઈએ કે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે તેમના તણાવ, સમસ્યાઓ અને અસલામતી વિશે ખુલીને ચર્ચા કરી શકે. જ્યારે શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને સારી રીતે સાંભળે છે અને તેમના મુદ્દાઓને અત્યંત ઇમાનદારીથી હલ કરે છે ત્યારે જ વિદ્યાર્થીઓનો ઉદય થશે.

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને રીલ્સ જોવાના ગેરફાયદા જણાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,  તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હશે. કેટલાક લોકો એવા હશે જેમને કલાકો સુધી મોબાઈલ ફોન જોવાની ટેવ પડી ગઈ હશે. જો તમે એક પછી એક રીલ્સ જોતા રહેશો તો સમયનો બગાડ થશે, ઊંઘમાં ખલેલ પડશે અને તમે જે વાંચ્યું છે તે યાદ નહીં રાખી શકો. ઊંઘને ​​ઓછી ન આંકશો. આધુનિક હેલ્થ સાયન્સ ઊંઘને ​​ખૂબ મહત્વ આપે છે. તમને જરૂરી ઊંઘ ન મળે તે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. મોબાઈલ જેવી વસ્તુ જે આપણે રોજેરોજ જોઈએ છીએ તેને પણ ચાર્જ કરવી પડે છે. મોબાઈલ વાપરવા ચાર્જિંગની જરૂર હોય છે તો શરીરે પણ કંઈ કરવું જોઈએ કે નહીં?

આ પણ વાંચો: મજબૂત ન્યાયિક વ્યવસ્થા એ વિકસિત ભારતનો મુખ્ય પાયો છેઃ વડાપ્રધાન મોદી

Back to top button