ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશમાં 7 દિવસમાં CAA લાગુ થશે : કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો દાવો

  • દેશભરમાં ફરી એકવાર નાગરિક સંસોધન અધિનિયમનો મુદ્દો ગરમ થયો 
  • CAA અંગે કેન્દ્રીય મંત્રીના નિવેદન બાદ રાજકીય હલચલ ફરી એકવાર તેજ થઈ

કલકત્તા, 29 જાન્યુઆરી: દેશભરમાં ફરી એકવાર નાગરિક સંસોધન અધિનિયમ (CAA)નો મુદ્દો ગરમ થતો જોવા મળી રહ્યો છે. CAAને લઈને કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરના નિવેદન બાદ રાજકીય હલચલ ફરી એકવાર તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે, 7 દિવસમાં CAA દેશમાં લાગુ થઈ જશે. હકીકતમાં કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું છે કે, હું ગેરંટી સાથે જઈ રહ્યો છું કે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA દેશમાં 7 દિવસમાં લાગુ થઈ જશે.

 

કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે આપી ગેરંટી

જનસભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું કે, “હું તમને બાંહેધરી આપું છું કે આગામી સાત દિવસમાં CAA દેશમાં લાગુ થઈ જશે. રામ મંદિર પછી હવે CAAનો વારો છે.” શાંતનુ ઠાકુરના આ નિવેદનને ગિરિરાજ સિંહે પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, “શાંતનુ ઠાકુરે જે કહ્યું છે તે ખોટું નથી. નાગરિકતા સંશોધન કાયદો આ દેશની માંગ છે. જેમણે ઘૂસણખોરોને પોતાની નજીક રાખ્યા છે તેઓને આ ખરાબ લાગશે.” તેમણે એમ પણ કહ્યું કે, “TMCના હૃદય પર ચડીને બંગાળમાં CAA લાગુ કરવામાં આવશે.

તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી

ઉલ્લેખનીય છે કે, 2019માં જ સંસદના બંને ગૃહોમાં CAA પસાર કરવામાં આવ્યો હતો. તેને પ્રમુખની મંજૂરી પણ મળી ગઈ હતી, પરંતુ નોટિફિકેશન આવવાનું બાકી હતું. કોરોના અને દેશભરમાં તેના વિરોધના કારણે કાયદો લાગુ થઈ શક્યો નથી. આ બાબતે દેશના ઘણા ભાગોમાં વિરોધ જોવા મળ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે, સરકાર ફેબ્રુઆરીમાં જ આ અંગે નોટિફિકેશન બહાર પાડી શકે છે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ માટે એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

CAA હેઠળ શું જોગવાઈઓ કરવામાં આવી છે?

હકીકતમાં, CAA હેઠળ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતીઓ માટે નાગરિકતાની જોગવાઈ છે. 31 ડિસેમ્બર, 2014 પહેલા આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી સમુદાયોને નાગરિકતા આપવાની જોગવાઈ પણ છે.

આ પણ જુઓ: મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના CM હેમંત સોરેનના દિલ્હીના ઘરે EDના દરોડા

Back to top button