ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ભાભર ખાતે ગુજરાતની 21 ગૌ શાળાઓ અને પાંજરાપોળોને ચેક અર્પણ કરાયો

  • મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા- પાંજરાપોળોને એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો

ભાભર, 28 જાન્યુઆરી: કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી જલારામ ગૌશાળા, ભાભર ખાતે ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચેક અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની ૨૧ ગૌશાળા, પાંજરાપોળોને એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડની માર્ગદર્શિકા અનુસાર, પશુ કલ્યાણ પખવાડિયા – 2024 હેઠળ ગૌ માતાની સેવા માટે ગૌ શાળાઓ અને પાંજરાપોળો આત્મનિર્ભર બને એ હેતુસર સમસ્ત મહાજન મુંબઈ દ્વારા ગીરીશ શાહના માર્ગદર્શનમાં ગુજરાતભરની તમામ ગૌશાળા પાંજરાપોળ માટે આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા, પાંજરાપોળોને એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શ્રી જલારામ ગૌ શાળા ભાભર અને હરિઓમ ધામ સુઇગામની ગૌ માતા પ્રત્યેની સેવાનિષ્ઠાને બિરદાવી તેના સાક્ષી બનવાનો અવસર મળ્યો એ બદલ અંતરનો રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયોની એક સ્વજનની જેમ સેવા ચાકરી કરવામાં આવે છે એ જાણીને અતિ પ્રસન્નતા થઈ હોવાનું મંત્રીએ કહ્યું હતું. વધુમાં હરિઓમ ગ્રુપ દ્વારા દરરોજ બીમાર ગાયો અને ગૌ શાળામાં બે થી ત્રણ કલાક કરવામાં આવતી યુવાનોની સેવા ભાવનાને બિરદાવતાં તેમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશ અનાવાડીયા સંગઠનના અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, સમસ્ત મહાજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશ શાહ, ગુજરાત ગૌશાળા પોજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી જેંતીલાલ બી શાહ, બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળના પ્રમુખ ચીનુભાઈ શાહ સહિત ગુજરાતભરની ગૌ શાળાના સંચાલકઓ, દિયોદર પ્રાંત અધિકારી તેમજ મોટી સંખ્યામાં ગૌ ભક્તો, ગોપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની સૌથી મોટી શ્રી જલારામ ગૌશાળા ભાભર ખાતે 11 હજાર ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે છે. તેમજ ભારતની એકમાત્ર ગૌ શાળા છે જ્યાં 4 હજાર જેટલી બીમાર, ઘાયલ ગૌ માતાની સારવાર કરવામાં આવે છે.

આ પણ વાંચો: ફિલ્મફેર એવોર્ડ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ફિલ્મ સ્ટાર્સ સાથે કરી મુલાકાત

Back to top button