ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

ઈલોન મસ્કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ ગુમાવ્યો, જાણો કોણ બન્યું ?

Text To Speech
  • ઇલોન મસ્કને પછાડીને બર્નાર્ડ આર્નોલ્ટ બન્યા દુનિયાના નંબર વન અમીર
  • લૂઈસ વિટોનના માલિક બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ 207.6 બિલિયન ડૉલર સુધી પહોંચી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: ટેસ્લા, સ્ટારલિંક અને X (ટ્વિટર)ના માલિક ઇલોન મસ્કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ ગુમાવ્યો છે. ટેસ્લાના શેરમાં ભારે ઘટાડા બાદ તેની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. ફ્રેન્ચ બિઝનેસમેન અને લક્ઝરી બ્રાન્ડ લૂઈસ વિટોન (Louis Vuitton)ના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ હવે ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ અનુસાર, બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ લગભગ 207.6 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે. ઇલોન મસ્કની કુલ સંપત્તિ હવે 204.7 બિલિયન ડૉલર છે.

બર્નાર્ડ આર્નોલ્ટે ઇલોન મસ્કને પાછળ છોડી દીધા

બર્નાર્ડ આર્નોલ્ટ ઇલોન મસ્કને પાછળ છોડીને વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન બની ગયા છે. બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ મસ્કની સંપત્તિ કરતાં 3 અબજ ડૉલર વધુ છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મોટ હેનેસી લુઈસ વિટન (Moët Hennessy Louis Vuitton)નું માર્કેટ કેપ 388.8 બિલિયન ડૉલરને વટાવી ગયું હતું. જ્યારે ટેસ્લાનું માર્કેટ કેપ હાલમાં 586.14 બિલિયન ડૉલર છે.

ટોપ-10 અમીર લોકોના નામ કોનો-કોનો સમાવેશ ?

ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, બર્નાર્ડ આર્નોલ્ટ અને ઈલોન મસ્ક પછી, એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસનું નામ આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. તેમની કુલ સંપત્તિ 181.30 અબજ ડૉલર છે. લેરી એલિસનનું નામ ચોથા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 142.20 અબજ ડૉલર છે. 139.1 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે, Meta CEO માર્ક ઝકરબર્ગ આ યાદીમાં પાંચમા સ્થાને છે. આ પછી વોરેન બફેટ, લેરી પેજ, બિલ ગેટ્સ, સર્ગેઈ બ્રિન અને સ્ટીવ બાલ્મરનું નામ પણ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે.

અંબાણી અને અદાણીની નેટવર્થ કેટલી ?

એશિયા અને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં 11મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 104.4 બિલિયન ડૉલર છે. જ્યારે ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી આ યાદીમાં 16મા સ્થાને છે. તેમની પાસે કુલ 75.7 બિલિયન ડૉલર છે.

આ પણ જુઓ: ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર પ્રીતિ રજક, કોણ છે આ ચેમ્પિયન ટ્રેપ શૂટર ?

Back to top button