નેશનલ

એનસીસી પીએમ રેલી એક ભારત-શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી : નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી એનસીસી પીએમ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યુ હતુ કે, એક ભૂતપૂર્વ એનસીસી કેડેટ હોવાનાં કારણે જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. જ્યારે આપણે એનસીસી કેડેટ્સમાં આવીએ છીએ, ત્યારે આપણને સૌ પ્રથમ એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં દર્શન થાય છે. તમે લોકો તો દેશના ખૂણે ખૂણેથી અહીં આવ્યા છો. અને મને ખુશી છે કે વીતેલાં વર્ષોમાં એનસીસી રેલીનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. અને આ વખતે અહીં વધુ એક નવી શરૂઆત થઈ છે. આજે અહીં, જેને સરકાર વાઇબ્રન્ટ ગામો તરીકે વિકસાવી રહી છે તેવાં દેશભરનાં સરહદી ગામોના 400થી વધુ સરપંચો આપણી વચ્ચે છે. આ ઉપરાંત દેશભરમાંથી સ્વ-સહાય જૂથોના પ્રતિનિધિ તરીકે 100થી વધુ બહેનો પણ હાજર છે. હું આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરું છું.

આજે 24 મિત્ર દેશોના કેડેટ્સ અહીં હાજર

એનસીસી પીએમ રેલી એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્યની ભાવનાને સતત મજબૂત કરી રહી છે. 2014માં આ રેલીમાં 10 દેશોના કેડેટ્સે ભાગ લીધો હતો. આજે 24 મિત્ર દેશોના કેડેટ્સ અહીં હાજર છે. હું તમને બધાને અને ખાસ કરીને વિદેશથી આવેલા તમામ યુવા કેડેટ્સને અભિનંદન આપું છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે દેશ 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ ઐતિહાસિક સીમાચિહ્ન દેશની નારીશક્તિને સમર્પિત કરવામાં આવ્યું છે.

પ્રજાસત્તાક પર્વે વુમન્સ પાવર બતાવ્યો

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આપણે 26 જાન્યુઆરીએ પણ કર્તવ્ય પથ પર જોયું કે આ વખતેનો કાર્યક્રમ વુમન પાવરને સમર્પિત હતો. આપણે દુનિયાને બતાવ્યું કે ભારતની દીકરીઓ કેટલું સરસ કામ કરી રહી છે. આપણે દુનિયાને બતાવ્યું કે કેવી રીતે ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં નવા આયામો સર્જી રહી છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ આ પહેલીવાર હતું જ્યારે આટલી મોટી સંખ્યામાં મહિલા ટુકડીએ ભાગ લીધો હતો. તમે બધાએ શાનદાર પ્રદર્શન કર્યું. આજે અહીં ઘણા કેડેટ્સને પુરસ્કાર પણ મળ્યા છે. કન્યાકુમારીથી દિલ્હી અને ગુવાહાટીથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા કરવી… ઝાંસીથી દિલ્હી સુધી, નારીશક્તિ વંદન દોડ… 6 દિવસ સુધી 470 કિલોમીટર દોડવું, એટલે કે દરરોજ 80 કિલોમીટર દોડવું… આ સરળ નથી. આ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનાર તમામ કેડેટ્સને હું અભિનંદન આપું છું. અને સાઈકલનાં જે બે જૂથ છે, એક બરોડા અને એક કાશી. હું બરોડાથી પણ પહેલીવાર સાંસદ બન્યો હતો અને કાશીથી પણ સાંસદ બન્યો હતો.

ભારતની દીકરીનું સ્થાન વિશ્વએ જોયું

વધુમાં તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે, દરેક દીકરીઓની ભાગીદારી માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી જ સીમિત રહેતી હતી. આજે દુનિયા જોઈ રહી છે કે કેવી રીતે ભારતની દીકરીઓ જળ, જમીન, આકાશ અને અંતરિક્ષમાં પોતાનું કૌશલ્ય પુરવાર કરી રહી છે. ભારતીય પરંપરામાં હંમેશા નારીને એક શક્તિ તરીકે જોવામાં આવે છે. ભારતની ધરતી પર રાણી લક્ષ્મીબાઈ, રાણી ચેનમ્મા અને વેલુ નાચિયાર જેવી વીરાંગનાઓ થઈ છે. આઝાદીની લડાઈમાં એક એકથી ચઢિયાતી ઘણી મહિલા ક્રાંતિકારીઓએ અંગ્રેજોને હરાવ્યા હતા.

ત્રણેય સૈન્યમાં દીકરીઓ ટોપ પોઝીશન ઉપર

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારે નારીશક્તિની આ જ ઊર્જાને સતત સશક્ત કરી છે. તમામ ક્ષેત્રોમાં જ્યાં દીકરીઓનો પ્રવેશ પહેલા બંધ હતો અથવા મર્યાદિત હતો, અમે ત્યાં દરેક પ્રતિબંધો દૂર કર્યા છે. અમે દીકરીઓ માટે ત્રણેય સેનાના અગ્ર મોરચા ખોલી દીધા. આજે સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવામાં આવી રહ્યું છે. દીકરીઓને ત્રણેય સૈન્યમાં કમાન્ડ રોલ અને કોમ્બેટ પોઝિશન પર મૂકીને તેમના માટે માર્ગો ખોલવામાં આવ્યા છે. આજે તમે જુઓ, અગ્નિવીરથી લઈને ફાઈટર પાઈલટ સુધી દીકરીઓની ભાગીદારી ઘણી વધી રહી છે. અગાઉ સૈનિક શાળાઓમાં પણ દીકરીઓને ભણવા દેવામાં આવતી ન હતી. હવે દીકરીઓ દેશભરની ઘણી સૈનિક શાળાઓમાં અભ્યાસ કરી રહી છે. કેન્દ્રીય સુરક્ષા દળોમાં મહિલા કર્મચારીઓની સંખ્યા 10 વર્ષમાં બમણાથી વધુ થઈ ગઈ છે. રાજ્ય પોલીસ દળોમાં પણ વધુને વધુ મહિલા દળો હોય તે માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.

Back to top button