ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જજ vs જજ : કલકત્તા હાઈકોર્ટના બે ન્યાયાધીશો વચ્ચેની લડાઈ પહોંચી સુપ્રીમ કોર્ટ

Text To Speech
  • SCએ નકલી જાતિ પ્રમાણપત્ર કેસમાં હસ્તક્ષેપ કરીને CBI તપાસના આદેશ પર લગાવી રોક
  • આ કેસમાં સુપ્રીમ કોર્ટે બંગાળ સરકાર અને હાઈકોર્ટના અરજદારને નોટિસ પાઠવી

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: પશ્ચિમ બંગાળના નકલી જાતિ પ્રમાણપત્રના મામલામાં કલકત્તા હાઈકોર્ટના જજ વિરુદ્ધ જજનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.  સુપ્રીમ કોર્ટમાં CJI ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બંધારણીય બેંચે શનિવારે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. બેંચે કલકત્તા હાઈકોર્ટમાં સિંગલ જજ અને ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવેલી આ કેસની સુનાવણી પર રોક લગાવી દીધી છે અને આ સાથે સીબીઆઈ તપાસ માટે સિંગલ જજના આદેશ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે બંગાળ સરકાર અને હાઈકોર્ટના અરજદારને નોટિસ પાઠવી છે. કોર્ટ હવે આ મામલે 29 જાન્યુઆરીએ સુનાવણી કરશે.

 

શું છે આ સમગ્ર વિવાદ ?

હકીકતમાં, કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે 24 જાન્યુઆરી એટલે કે બુધવારે સવારે એક આદેશ પસાર કર્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળ પોલીસને નકલી પ્રમાણપત્ર કેસ સાથે સંબંધિત દસ્તાવેજો સીબીઆઈને સોંપવા કહેવામાં આવ્યું હતું. જો કે, હાઈકોર્ટની બીજી ડબલ બેન્ચે તે જ દિવસે જસ્ટિસ ગંગોપાધ્યાયના આદેશ પર સ્ટે આપ્યો હતો.

આ પ્રતિબંધ છતાં બીજા દિવસે 25 જાન્યુઆરીએ જસ્ટિસ ગંગોપાધ્યાયની સિંગલ બેંચે ફરીથી આદેશ આપ્યો અને કેસ પેપર્સ સીબીઆઈને સોંપવાની મંજૂરી આપી. એટલું જ નહીં, જસ્ટિસ ગંગોપાધ્યાયે ડિવિઝન બેંચની અધ્યક્ષતા કરી રહેલા જજ સોમેન સેન પર રાજકીય પક્ષના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ જુઓ :છત્તીસગઢ-ઓડિશા હાઇવે પર ભયંકર અકસ્માત, સાતના મૃત્યુ, જૂઓ CCTV

Back to top button