બિહારમાં રાજકીય હલચલ વધી, નીતિશકુમાર ફરી NDAમાં જોડાશે?
- બિહારમાં ફરી એકવાર જોરદાર રાજકીય ગતિવિધિ જોવા મળી રહી છે. તેનું કારણ ફરી નીતીશકુમાર છે. એવી અટકળો ચાલી રહી છે કે નીતીશ ટૂંક સમયમાં ભાજપ સાથે ગઠબંધન કરવા જઈ રહ્યા છે
બિહાર, 26 જાન્યુઆરી: બિહારમાં ફરી એક વાર રાજકીય હલચલ વધી છે, તેનું કારણ મુખ્યમંત્રી નીતીશકુમાર છે. છેલ્લા કેટલાક કલાકોમાં આના અનેક પુરાવાઓ સામે આવ્યા છે. માનવામાં આવે છે કે સીએમ નીતિશ ફરી એકવાર પક્ષ બદલવાની યોજના બનાવી રહ્યા છે, સૂત્રોએ દાવો કર્યો છે કે નીતિશ 27મીએ રાજીનામું આપશે અને 28મીએ ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બીજેપીને ફરીથી ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે.
તેજસ્વી યાદવ કાર્યક્રમમાં હાજર ન રહ્યા
આ દરમિયાન રાજ્યપાલે રાજભવનમાં એટ હોમના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં સીએમ નીતીશકુમારે હાજરી આપી હતી, પરંતુ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને બિહાર વિધાનસભાના અધ્યક્ષ અવધ બિહાર ચૌધરીએ આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી, એટલે કે બંને આરજેડી નેતાઓ રાજભવન પહોંચ્યા ન હતા. નીતીશકુમારે રાજભવન ખાતે પૂર્વ સીએમ અને હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ જીતન રામ માંઝી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એક ઘટના બની જેનાથી એવું લાગી રહ્યું છે કે આરજેડી અને જેડીયુ વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું.
#WATCH | Bihar CM Nitish Kumar and Bihar Minister Ashok Choudhary present at an official event in Raj Bhavan, Patna.
Bihar Deputy CM Tejashwi Yadav is not present at the event. pic.twitter.com/bdHNECUn2a
— ANI (@ANI) January 26, 2024
ખુરશી પરથી નામની કાપલી હટાવી
રાજભવનના કાર્યક્રમમાં જ મંત્રી અશોક ચૌધરીએ સીએમ નીતીશકુમારની પાસેની ખુરશી પરથી તેજસ્વી યાદવના નામની સ્લિપ હટાવી અને પોતે બેસી ગયા. નવાઈની વાત એ છે કે નીતીશ બસ આ બધું થતું જોતા જ રહ્યા. રાજકીય વિદ્વાનોનું માનવું છે કે આ સ્પષ્ટ સંકેત છે કે નીતિશ ફરી એકવાર પક્ષ બદલવા જઈ રહ્યા છે.
બીજેપી નેતાએ શું કહ્યું?
નીતીશકુમારને લઈને બીજેપીના ઘણાં નેતાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. સુશીલ મોદી અને તારકિશોર પ્રસાદે કહ્યું છે કે ‘દરવાજા ખુલ્લા છે.’ આ દરમિયાન આરજેડીમાં પણ હલચલ મચી ગઈ છે. લાલુ યાદવે પોતાના ધારાસભ્યોને એલર્ટ કર્યા છે.
આ પણ વાંચો: નીતિશકુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે અંતર વધ્યું, આ તસવીર જોઈ આવી જશે ખ્યાલ