સુઈગામના બોરું ગામે 75મા પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી
- જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો
- ડોગ શો, હોર્સ શો, પોલીસ વાહન નિદર્શન, બેગપાઈપર બેન્ડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી લોકો મંત્રમુગ્ધ
સુઈગામ, 26 જાન્યુઆરી: બનાસકાંઠા જિલ્લામાં 26 મી જાન્યુઆરીને 75મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સરહદી સુઇગામ તાલુકાના બોરું ગામે જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો શાનદાર સમારોહ યોજાયો હતો. જેમાં કલેકટરએ ધ્વજવંદન કરાવી તિરંગાની સલામી ઝીલી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજારોહણ કર્યું હતું. તેમજ તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી. તેમજ જિલ્લાની સુરક્ષા કરતા વિવિધ પોલીસ વાહનોનું વાહન નિદર્શન યોજાયું હતું. તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેગપાઈપર બેન્ડના નિદર્શન હેઠળ સંગીતની સુમધૂર સુરાવલી રેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વમાં વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે. આગામી સમયમાં આપણો દેશ વિશ્વગુરુ અને મહાસત્તા બનવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જાવાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય દેશભરમાં વિકાસ મોડેલ બન્યું છે. રાજ્યની વણથંભી વિકાસ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાએ પણ પોતાના યોગદાન દ્વારા ખેતી, પશુપાલન, રોડ રસ્તા, શિક્ષણ, રોજગારી, આરોગ્ય એમ વિવિધ ક્ષેત્રના વિકાસ થકી રાજ્ય અને દેશભરમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ” બેટી હિંદુસ્તાન કી” , “હું તો પાટણ શૅર ની નાર”, ” એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી”, જેવા સંગીતમય કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે શોર્ય રસનું વર્ણન કરતી ફ્રીડમ ફાઇટર , તલવાર ડાન્સ અને ઝાંસી કી રાની જેવી પ્રસ્તુતિઓને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.
જિલ્લા પોલીસ અશ્વદળ દ્વારા હોર્સ શો યોજાયો
બનાસકાંઠા જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ દ્વારા ડોગ શો યોજાયો હતો. જેમાં ડોગ રોશની અને લકીએ ડોગ હેન્ડલરના વિવિધ આદેશોનું પાલન કરી બતાવ્યું હતું. તેમજ વિવિધ જમ્પ અને ગુન્હા શોધકમાં મર્ડર અને ચોરી લૂંટ જેવા ગુનામાં ડોગની ભૂમિકાનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું જેણે લોકોને અચંબિત કરી દીધા હતા. ત્યારબાદ જિલ્લા પોલીસ અશ્વદળ દ્વારા હોર્સ શો યોજાયો હતો. જેમાં રિયા, સોફિયા, માઈકલ અને બલરામ અશ્વના અશ્વરોહકો દ્વારા કરાયેલા દિલધડક સ્ટંટે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
અગત્યની ભૂમિકા ભજવનાર 152 જેટલા લોકોનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન
આ પ્રસંગે કલેક્ટર વરુણકુમાર બરનવાલના હસ્તે સુઇગામના મદદનીશ કલેકટર કાર્તિક જીવાણીને વિકાસકાર્યો માટેની ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લાના રમતવીરો, કલાકારો અને વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને અગત્યની ભૂમિકા ભજવનાર 152 જેટલા લોકોનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીર વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગોને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કરાયું હતું. ઉપસ્થિત સૌને હદયાઘાત સમયે જીવન રક્ષક એવી સી.પી.આર. તાલીમનું નિદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાપર ખાતે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી