કલાપી ઉપનામથી પ્રખ્યાત કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની આજે જન્મજયંતી
- ‘કલાપી’નું જીવન પટ ટૂંકુ માત્ર 26 વર્ષનું પણ સર્જન પટ વિશાળ
- આટલી ટૂંકી ઉમરમાં અનેક કવિતાઓ રચીને ગુજરાતી સાહિત્યને કર્યું સમુદ્ધ
- ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના લાઠીમાં કવિ કલાપીનો જન્મ અને અવસાન
લાઠી, 26 જાન્યુઆરી: કલાપી ઉપનામથી પ્રખ્યાત એવા કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની આજે જન્મજયંતી છે. ‘કલાપી’નું જીવન પટ ટૂંકુ માત્ર 26 વર્ષનું પણ સર્જન પટ વિશાળ છે. જેમની કવિતાઓ પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર લખાય છે તેવા લાઠીના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કવિ કલાપી)ની જન્મજયંતી 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. માત્ર 26 વર્ષના જીવનમાં કવિ કલાપીએ 250 કવિતાઓ અને 900 પત્રો લખ્યા હતા. ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના લાઠીમાં ગુજરાતી કવિ અને લાઠીના રાજવી કલાપીનો જન્મ અને અવસાન થયું હતું. કવિ કલાપીનો તારીખ 26 જાન્યુઆરી 1874ના રોજ જન્મ થયો હતો. તેમનું 9 જૂન 1900ના રોજ અવસાન થયું હતું. રાજવી વારસો હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં કવિ કલાપીનું પ્રદાન પ્રશંસનીય છે. કલાપીના પિતા મહારાજા તખ્તસિંહજી લાઠી પ્રદેશના શાસક હતા.
કમનસીબે, કલાપી જ્યારે 5 વર્ષના હતા ત્યારે તખ્તસિંહજીનું અવસાન થયું અને જ્યારે તેઓ 14 વર્ષના હતા ત્યારે પત્ની રમાબાનું અવસાન થયું. બાળકો પર તેની ઘણી અસર થઈ. જો કે તેમની પાસે વધુ શાળાકીય શિક્ષણ ન હતું, તેમણે અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતીનો અભ્યાસ કર્યો. તેમના 26 વર્ષના ટૂંકા જીવનમાં તેમણે સાહિત્યમાં ઘણું મોટું કામ કર્યું છે. તેમણે લગભગ 250 કવિતાઓ લખી હતી તેમજ તેમણે પોતાની પત્નીઓ અને મિત્રોને લગભગ 900 પત્રો મોકલ્યા છે.
કવિ કલાપીની યાદમાં મુંબઈમાં આપવામાં આવે છે એવોર્ડ
આ ઉપરાંત તેમણે 4 અંગ્રેજી નવલકથાઓનું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમણે મંદાક્રાન્તા, શાર્દુલવિક્રીડિત, શિખરિણી છંદ ઉપરાંત અન્ય ઘણી શૈલીઓમાં કવિતાઓ લખી છે. ‘આપની યાદ’ ગુજરાતી સાહિત્યમાં તેમની શ્રેષ્ઠ ગઝલ ગણાય છે. આટલી નાની ઉંમરે તેમણે જે લખ્યું તે જોઈને લાગે છે કે જો તેઓ લાંબુ જીવ્યા હોત તો તેઓ ચોક્કસપણે વિશ્વ મહાકવિ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા હોત. તેમની સ્મૃતિમાં, 1997થી, મુંબઈના ઈન્ડિયન નેશનલ થિયેટર ખાતે એક કુશળ ગુજરાતી ગઝલ કવિને દર વર્ષે કલાપી એવોર્ડ આપવામાં આવે છે.
અંગ્રેજીમાં પાંચમા ધોરણ સુધીનું જ ઔપચારિક શિક્ષણ મેળવ્યું
કવિ કલાપીએ 1882થી 1890 સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અધ્યયન કર્યું હતું. આંખોની તકલીફ અને લગ્ન વગેરેને કારણે કલાપીએ અંગ્રેજીમાં પાંચમા ધોરણ સુધીનું જ ઔપચારિક શિક્ષણ મેળવ્યું હતું. પણ પછીથી શિક્ષકો રાખીને અંગ્રેજી, સંસ્કૃત, ફારસી તથા ઉર્દૂનો અભ્યાસ કર્યો હતો. સાહિત્ય, તત્વજ્ઞાન, ધર્મ વગેરેનું જ્ઞાન દરબાર વાજસૂરવાળા, મણિલાલ દ્વિવેદી, કાન્ત અને સંચિત જેવા મિત્રો દ્વારા પ્રાપ્ત કરેલું હતું. વાચન-અધ્યયન દ્વારા તેમણે પોતાની સાહિત્યરુચિ કેળવેલી હતી.
કવિ કલાપીની પંક્તિઓ :
- જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
- હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.
- સૌંદર્ય વેડફી દેતા ના, ના સુંદરતા મળી.
- ચળકાટ તારો એ જ પણ તું જ ત..
- કિસ્મત કરાવે ભૂલ, તે ભૂલો કરી નાખું બધી
કવિ કલાપીની મુખ્ય કૃતિઓ :
- કાવ્યસંગ્રહ– કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય)
- કલાપીની પત્રધારા , હૃદય ત્રિપુટી , બિલ્વમંગલ, માલા અને મુદ્રીકા
- વર્ણન – કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન (પ્રવાસવર્ણન)
- નિબંધ– સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર
સન્માન :
- રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક
- એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે
આ પણ જુઓ: કેલિગ્રાફીમાં લખાયેલું આપણું બંધારણ, આ કળા શું છે? જાણો