શું નીતિશ કુમાર ફરી NDAમાં જોડાશે? લાલુની દીકરીની પોસ્ટ બાદ નવાજૂનીના એંધાણ
પટણા (બિહાર), 25 જાન્યુઆરી: બિહારમાં ફરી એકવાર મહાગઠબંધનની સરકાર પડી ભાંગે તેવી અટકળોએ જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે નીતિશ કુમાર ફરી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ શકે છે. પટણાથી દિલ્હીથી સુધી રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ હાઈકમાન્ડે બિહારથી પાર્ટીના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને સુશીલ મોદીનો સમાવેશ થાય છે. તેમજ જેડીયુના વરિષ્ઠ નેતાઓ પણ પટણામાં બેઠક કરી રહ્યા છે. બીજી તરફ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના વંશવાદી રાજકારણ પરના નિવેદન અને રોહિણી આચાર્યના ટ્વીટ પર આરજેડી નેતા શક્તિ યાદવનું કહેવું છે કે વંશવાદી રાજકારણ પર નીતિશ કુમારનું નિવેદન ભાજપ માટે હોઈ શકે છે.
આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની વંશવાદી રાજનીતિ અંગેની ટિપ્પણીઓ પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. હકીકતમાં, બિહારના સીએમ નીતીશ કુમારે કર્પૂરી ઠાકુરની જન્મજયંતિના અવસર પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે વંશવાદની રાજનીતિની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, “તેમણે પોતાના પરિવારને રાજકારણમાં પ્રોત્સાહન આપ્યું નથી”. ભાજપે આના પર તુરંત પ્રતિક્રિયા આપી નથી પરંતુ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આ અંગે કેટલાક ટ્વિટ કર્યા છે.
જો કે રોહિણીએ આ પોસ્ટમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ લીધું નથી, પરંતુ પોસ્ટના સંદર્ભને જોતા માનવામાં આવે છે કે તેમણે મુખ્યમંત્રીને નિશાન બનાવીને આ પોસ્ટ કરી છે. આ પછી, અન્ય એક ટ્વિટમાં, તેમણે લખ્યું, “સમાજવાદી નેતા હોવાનો દાવો એ જ કરે છે, જેની વિચારધારા હવાની જેમ બદલાય છે. આમ, તેમણે બીજી પણ ટ્વીટ કરી હતી. ટ્વીટ પરથી એમ લાગે છે કે RJD અને JDU ગઠબંધનમાં તિરાડ પડી છે. જોકે, થોડા સમય પછી રોહિણીએ આ ટ્વિટ્સ ડિલીટ કરી દીધા.
બિહારના રાજકીય માહોલમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત બાદ બિહારની રાજનીતિમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. નીતિશ કુમારની ટિપ્પણીને બિહારના રાજકારણીઓ દ્વારા પુરસ્કારનો શ્રેય કર્પૂરી ઠાકુરને લેવાની રેસમાં એક નવા અધ્યાય તરીકે જોવામાં આવે છે. ભાજપે વિપક્ષ પર કર્પૂરી ઠાકુરના વારસાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. મહત્ત્વનું છે કે, લાલુ યાદવના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કર્પૂરી ઠાકુરના પુત્ર પણ બિહાર કેબિનેટનો ભાગ હતા.
આ પણ વાંચો: બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને ભારત રત્ન અપાશે