બુટલેગરનો નવો કિમીયો : ચોખાની આડમાં લઈ જવાતો હતો દારૂ
પાલનપુર : બનાસકાંઠાએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. જે ‘દારૂનો ગેટવે ગુજરાત’ બની ગયો એમ હોય તેમ વારંવાર અહીંયા દારૂ ઝડપાવાની ઘટના બને છે. ત્યારે બુટલેગરોએ હવે ચોખાની આડમાં દારૂ ભરીને ગુજરાતમાં ઘુસાડવાનો નવો કિમીઓ અજમાવ્યો છે. આ રીતે વારંવાર દારૂ પકડાયાના પણ દાખલા છે.
થરાદથી રાજસ્થાન જતા વચ્ચે ખોડા ચેકપોસ્ટ આવે છે. જ્યાં થરાદ પીઆઇ જે.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર એન. કે. પટેલ અને સ્ટાફ દ્વારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રક નંબર જીજે- 04-એક્સ 5741માં ચોખાના કટ્ટાની વચ્ચે છુપાવેલો દારૂ મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની 170 પેટીઓમાં કુલ 2040 બોટલ કિંમત રૂપિયા 81,600 તથા ટ્રક મળી ને કુલ રૂપિયા 32,12,500 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છેકે, ટ્રક ના ચાલક અને ક્લિનર મૂળ હરિયાણાના સોનેપત જિલ્લાના પીન્ટુ રણબીર પન્નું અને સુમિત કિન્ન પન્નુ સામે પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર ગાંધીધામ કચ્છમાં રહેતા ધર્મેન્દ્ર જાટ સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.