રાહુલ ગાંધીએ બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરતી પોસ્ટ ડિલીટ કરી, બે વર્ષ પહેલા કર્યું હતું ટ્વીટ
નવી દિલ્હી, 24 જાન્યુઆરી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી હતી કે તેમણે 2021ની એક વિવાદાસ્પદ ટ્વીટ ડિલીટ કરી દીધી છે. જેમાં કથિત રીતે 9 વર્ષની બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવામાં આવી હતી. આ ખુલાસો રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કથિત બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરતી ટ્વિટ પર FIR નોંધવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ ટ્વીટ હટાવી
રાહુલ ગાંધીના વકીલ તરન્નુમ ચીમાએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે વિવાદાસ્પદ ટ્વીટ હટાવી દેવામાં આવી છે. વકીલે ભારપૂર્વક જણાવ્યું કે, ટ્વીટને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હટાવી દેવામાં આવ્યું હતું. X (Twitter) ના વકીલે આ નિવેદનની પુષ્ટિ કરી છે. દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2021માં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR ફાઇલ કરવાની વિગતો આપતો સીલબંધ કવર રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટમાં કેસ સંબંધિત કાયદાકીય કાર્યવાહીની માહિતી આપવામાં આવી છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન સિંહ અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની બેન્ચ સમક્ષ આ દલીલો કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2021માં દિલ્હી છાવણી વિસ્તારમાં 9 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર અને ત્યારબાદ મૃત્યુનો મામલો સામે આવ્યો હતો. સગીરા સ્મશાનમાંથી પાણી લેવા ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે સ્મશાનભૂમિના પૂજારીએ અન્ય ત્રણ લોકો સાથે મળીને સગીરા પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી. તે દરમિયાન રાહુલ ગાંધી પીડિતાના માતા-પિતાને મળ્યા હતા અને તેમને સાંત્વના આપતી તસ્વીર પાછળથી તેમના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરી હતી. ત્યારબાદ, નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ ફરિયાદ દાખલ કરી હતી. તેમજ રાહુલ ગાંધી સામે ફોજદારી પગલાં લેવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: TMCએ રાહુલ ગાંધીની મુલાકાતને બાજુ પર રાખી, કહ્યું કોંગ્રેસે પહેલા સીટ વહેંચણી અંગે વાત કરવી જોઈએ