લોકોના મનમાં ગૂંજતો સવાલ, આખરે શ્રીરામની મૂર્તિનો રંગ શ્યામ કેમ?
- બાળ સ્વરૂપમાં શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. આ મૂર્તિનો રંગ શ્યામ છે. આખરે ભગવાનની મૂર્તિ શ્યામ વર્ણની શા માટે બનાવવામાં આવી છે એવો સવાલ ઘણા લોકોના મનમાં થઈ રહ્યો છે.
અયોધ્યા, 23 જાન્યુઆરીઃ પ્રભુ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા હવે રામનામથી ઝગમગી ઉઠી છે. 22 જાન્યુઆરી અને સોમવારનો દિવસ આખા દેશમાં બીજી દિવાળીના રૂપમાં ઉજવાયો. બાળ સ્વરૂપમાં શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. આ મૂર્તિનો રંગ શ્યામ છે . આખરે ભગવાનની મૂર્તિ શ્યામ વર્ણની શા માટે બનાવવામાં આવી છે એવો સવાલ ઘણા લોકોના મનમાં થઈ રહ્યો છે. જાણો ભગવાન રામની મૂર્તિના રંગની પાછળનું રહસ્ય
કેમ પસંદ કરાયો શ્યામ રંગ?
મહર્ષિ વાલ્મીકિ રામાયણમાં ભગવાન શ્રીરામના શ્યામ સ્વરૂપનું વર્ણન કરાયું છે. તેથી પ્રભુને શ્યામલ સ્વરૂપમાં જ પૂજવામાં આવે છે. શ્રીરામની મૂર્તિનું નિર્માણ શ્યામ શિલાના પથ્થરથી જ કરાયું છે. આ અત્યંત ખાસ પથ્થર છે. શ્યામ શિલાનું આયુષ્ય હજારો વર્ષોનું માનવામાં આવે છે. મૂર્તિ હજારો વર્ષો સુધી સારી જ અવસ્થામાં રહેશે. તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નહિ આવે. રામલલ્લાની મૂર્તિ શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. ધાર્મિક ગ્રંથ અનુસાર શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું વિગ્રહ સ્વરૂપ છે. આ એક પ્રકારનો જીવાશ્મ પથ્થર છે. શાલિગ્રામ સામાન્ય રીતે પવિત્ર નદીના તળિયા અને કિનારા પરથી મેળવવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન અભિષેક કરવામાં આવે છે. આવા સંજોગોમાં મૂર્તિને જળ, ચંદન, કંકુ કે દુધ જેવી વસ્તુઓ પણ નુકશાન નહિ પહોંચાડી શકે.
બાળ સ્વરૂપમાં કેમ બનાવાઈ પ્રતિમા?
માન્યતાઓ અનુસાર જન્મભૂમિમાં બાળ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. અયોધ્યા એ રામચંદ્રજીની જન્મભૂમિ છે. તેથી ભગવાન શ્રીરામની બાળ સ્વરૂપની મૂર્તિ બનાવાઈ છે અને અહીં તેમની બાળ સ્વરૂપે જ પૂજા થશે. રામ લલ્લાની 51 ઈંચ ઊંચી પ્રતિમા દક્ષિણ ભારતીય શૈલીની છે. લોકો તેને દૂરથી જોઈ શકે તે માટે આ પ્રતિમાને સ્થાયી સ્થિતિમાં રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ રામ નવમીએ સૂર્યના કિરણો ભગવાનના કપાળ પર તિલક કરશે, જાણો અયોધ્યા મંદિરની આ ખાસિયત