ગાંધીનગરમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું, I.N.D.I.ગંઠબંધન એટલે ભ્રષ્ટાચાર કરો પાર્ટી
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2024, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગાંધીનગરમાં અમિત શાહના કાર્યાલય સાથે ગુજરાતની અન્ય 25 બેઠકના કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. ગુજરાતની 25 સીટ પર ભાજપના ઉમેદવારની જાહેરાત વગર જ લોકસભા કાર્યાલય ખોલવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠક માટે તમામ જગ્યાએ કાર્યાલયના શ્રીગણેશ કર્યા છે. 2024ની ચૂંટણી માટે લોકસભા કાર્યાલયની વ્યવસ્થા બનાવી છે.ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઈન્ડિયા ફર્સ્ટ.
25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત બે વખતથી 26માંથી 26 બેઠક આપી રહ્યું છે. 2024માં પણ 26માંથી 26 બેઠક આપશે. ગુજરાતમાં ભાજપ સંગઠનને વિકસિત કરવાની પદ્ધતિ ખૂબ મહત્ત્વની છે, જેને આખા દેશમાં અમલ કરી છે.2024માં કેમ મોદી? કેમ ભાજપ? કેમ કે સપનું અને લક્ષ્ય છે કે કોઈ ગરીબ ન રહે અને બધા આગળ વધે. ગરીબ કલ્યાણ યોજનાને કારણે 80 કરોડ લોકોને રેશન મળે છે, જ્યારે આઈએમએફ કહે છે કે 13 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જ્યારે નીતિ આયોગ કહે છે કે લગભગ 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે.
ભાજપનો કાર્યકર કહેતો કે મારું જીવન રામને નામ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2014 વખતે 11મા ક્રમે આર્થિક સ્તરે હતા. જ્યારે આજે 200 વર્ષ રાજ કરનારા બ્રિટનને પછાડીને 5મા નંબર પર છે. જો મોદી આવશે તો ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બની જશે. જાપાન કરતાં વધારે ઓટોમોબાઈલક્ષેત્રમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે બધા રામનું નામ બોલે છે. કોંગ્રેસ અમને કહે કે તમે રામના ચેમ્પિયન છો એટલે અમે કહીએ કે જે સમયે તમે અવરોધ ઊભા કરતા હતા એ સમયે ભાજપનો કાર્યકર કહેતો કે મારું જીવન રામને નામ.
આજે આતંકવાદી પકડાયા હોવાના સમાચાર આવે છે
ઈન્ડિયા એલાયન્સનો એજન્ડા છે, મોદી હટાવો અને મોદી કહે છે કે ભારત આગળ વધે.સરદાર પટેલે લોકોને એક કર્યા, પણ કાશ્મીર રહી ગયું હતું, એટલે મોદી અને શાહે 370 દૂર કરી. પહેલા બોર્ડર પર પાકિસ્તાનમાંથી ગોળી ચાલે ત્યારે 4થી 5 જગ્યાએ મેસેજ આપીએ ત્યારે દિલ્હીથી કહેવાતું હતું કે તમને કહીએ છીએ અને ત્યાં સુધી જવાનો બંદૂક લઈને ઊભા રહેતા હતા. મોદીજી આવ્યા પછી તેમણે કહ્યું કે જવાબ આપી શાંત કર્યા પછી અમને રિપોર્ટ કરવાનો. પહેલાં બ્લાસ્ટના સમાચાર આવતા હતા, પણ આજે આતંકવાદી પકડાયા હોવાના સમાચાર આવે છે.
આ પણ વાંચોઃગુજરાત વિધાનસભામાં 156 સુધી પહોંચ્યા, હવે કોંગ્રેસના મૂળિયાં ઉખાડવાના છેઃ વજુભાઈ વાળા