હોંગકોંગને પાછળ છોડીને ભારત વિશ્વના શેરબજારમાં ચોથા ક્રમે પહોંચ્યું
- ભારતીય શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 4.33 ટ્રિલિયન ડોલર થયું
- ભારતે હોંગકોંગના 4.29 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપિટલાઇઝેશનને વટાવી દીધું
નવી દિલ્હી, 23 જાન્યુઆરી: હોંગકોંગના 4.29 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપિટલાઇઝેશનને વટાવીને ભારતીય શેરબજારનું મૂલ્ય 4.33 ટ્રિલિયન ડોલર થયું છે, જે તેને વિશ્વનું ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બનાવે છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, પ્રથમ વખત સોમવારે ભારતીય શેરબજારે હોંગકોંગને પછાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે.
રિટેલ રોકાણકારોએ બજારમાં નાણાં ઠાલવ્યા હતા
સ્થાનિક બજારનું માર્કેટ કેપ 5 ડિસેમ્બરે પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. તેમાંથી, છેલ્લા ચાર વર્ષમાં લગભગ 2 ટ્રિલિયન ડોલર આવ્યા હતા. ઝડપથી વધી રહેલા રિટેલ રોકાણકારોના આધાર અને મજબૂત કોર્પોરેટ કમાણીને કારણે ભારતમાં ઈક્વિટીઝ ઝડપથી વધી રહી છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશે ચીનના વિકલ્પ તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે. ભારતીય બજાર હવે વૈશ્વિક રોકાણકારો અને કંપનીઓ તરફથી નવી મૂડી આકર્ષિત કરી રહ્યું છે.
ચોથા ક્રમે પહોંચવાનું કારણ
મુંબઈમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં વિકાસને આગળ વધારવા માટેની તમામ બાબતો રહેલી છે. ભારતીય શેરોના મૂલ્યમાં સતત વધારો અને હોંગકોંગમાં ઐતિહાસિક ઘટાડો ભારતને આ સ્થાને લઈ ગયો છે.
ભારત વિશ્વનું વિકાસ એન્જિન બનશે
બેઇજિંગના કડક COVID-19 પ્રતિબંધો, કોર્પોરેશનો પર નિયમનકારી કાર્યવાહી, મિલકત ક્ષેત્રમાં મુશ્કેલી અને પશ્ચિમની સાથેના ભૌગોલિક રાજકીય તણાવના કારણે વિશ્વના વિકાસ એન્જિન તરીકે ચીનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ચાઈનીઝ અને હોંગકોંગના શેરોનું કુલ બજાર મૂલ્ય 2021માં ટોચના સ્તરથી 6 ટ્રિલિયન ડોલરથી વધુ ઘટી ગયું છે.
હોંગકોંગ પોતાની ત્રીજા નંબરની સ્થિતિ ગુમાવી
હોંગકોંગમાં કોઈ નવું લિસ્ટિંગ થઈ રહ્યું નથી. તે IPO હબ માટે વિશ્વના સૌથી વ્યસ્ત બજારમાંથી એક તરીકેનું સ્થાન ગુમાવી રહ્યું છે. જો કે, કેટલાક વ્યૂહરચનાકારોને પરિવર્તનની આશા છે. નવેમ્બરના અહેવાલ મુજબ, UBS ગ્રુપ AG માને છે કે, ચીની શેરો 2024માં ભારતીય પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી દેશે.
આ મહિનાની શરૂઆતમાં એક નોંધ અનુસાર, બર્નસ્ટીનને અપેક્ષા છે કે ચાઇનીઝ માર્કેટ સુધરશે.હોંગકોંગના હેંગ સેંગ ચાઇના એન્ટરપ્રાઇઝ ઇન્ડેક્સમાં લિસ્ટેડ ચાઇનીઝ શેરોનું ગેજ 2023માં ચાર વર્ષના રેકોર્ડ ઘટાડા પછી લગભગ 13% નીચે છે. જ્યારે, ભારતના બેન્ચમાર્ક ઈન્ડેક્ષ સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ-હાઇ સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યાં છે.
લંડન સ્થિત થિંક-ટેન્ક ઓફિશિયલ મોનેટરી એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોરમના તાજેતરના અભ્યાસ મુજબ વિદેશી ફંડ્સનું 2023માં ભારતીય શેરોમાં 21 બિલિયન ડોલરથી વધુનું રોકાણ રહેલું છે, જેથી દેશના બેન્ચમાર્ક S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સને સતત આઠમા વર્ષે લાભ મેળવવામાં મદદ મળી.
આ પણ જુઓ :26મી જાન્યુઆરીએ નવી દિલ્હીના કર્તવ્યપથ પર રજૂ થશે ગુજરાતની ઝાંખી ‘ધોરડો’