કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગનેશનલ

26મી જાન્યુઆરીએ નવી દિલ્હીના કર્તવ્યપથ પર રજૂ થશે ગુજરાતની ઝાંખી ‘ધોરડો’

  • ઝાંખીના મુખ્ય આકર્ષણ: ધોરડોના ”ભૂંગા” તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, ”રણ ઉત્સવ”, ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ સમા ગરબા

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત ઝાંખીનું તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરડોનો UNWTO: United Nations World Tourism Organization ના Best Tourism Village યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે. આ પણ વાંચો: ભારતનું ગૌરવઃ કચ્છના ધોરડોને શ્રેષ્ઠ વૈશ્વિક ગામોની યાદીમાં સ્થાન મળ્યું

26 જાન્યુઆરીએ 25 ટેબ્લોનું પ્રદર્શન

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૬ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૯ ઝાંખીઓ મળીને કુલ ૨૫ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૭૫-માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને “ભુંગા” તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવી છે. જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગત્તિને દર્શાવી રહી છે.

પરંપરા-પ્રવાસન-ટેક્નોલોજી અને વિકાસનો સુંદર સમન્વય સાધ્યો હોવાના લીધે જ ધોરડોને UNWTO: United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, જે સાચા અર્થમાં “વિકસિત ભારત”ની પરિકલ્પનાને સાકારિત કરે છે. આ ઉપરાંત ટેબ્લોમાં રણોત્સવ, ટેન્ટસિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યાં છે.

ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તાજેતરમાં ‘યુનેસ્કો’એ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ કર્યા છે; જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે.

આ પણ વાંચો: PM મોદીએ રામ મંદિર કાર્યક્રમની હાઇલાઇટ્સનો વીડિયો શેર કર્યો

Back to top button