ગુજરાતટોપ ન્યૂઝશ્રી રામ મંદિર

PM મોદીની અપીલને ગુજરાતે વધાવી, CM ભૂપેન્દ્રભાઈએ દિપમાળા કરી પ્રાણ પ્રતિષ્ઠા અવસર ઉજવ્યો

Text To Speech

ગાંધીનગર, 22 જાન્યુઆરી : ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. ત્યારે ગુજરાતે વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે.

મંત્રીઓના નિવાસસ્થાને પણ ઉજવણી કરાઈ

દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.

CM એ શીલજ ખાતે નિહાળ્યો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ

અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો

આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. ત્યાર બાદ તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button