ગાંધીનગર, 22 જાન્યુઆરી : લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપરથી જેલમાં બંધ રહેલા AAP ધારાસભ્ય ચૈતર વસાવા માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાની જમીન અરજી આજે મંજૂર થઈ છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ધારાસભ્ય ચૈતર વસાવા 40 દિવસથી જેલમાં બંધ હતા અને આખરે આજે તેઓને જામીન મળવાથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી શકે છે.
શું હતું ચૈતર વસાવા ઉપર આરોપ ?
મળતી માહિતી મુજબ, ચૈતર વસાવા પર વન કર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજુર કર્યા છે. આવતીકાલે તેઓ જેલમાંથી મુક્તિ આપવામાં આવશે.
ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની સરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રેહશે.
વસાવા અંગે કેજરીવાલે આપી શું પ્રતિક્રિયા?
થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ચૈતર વસાવાને લઈને કહ્યું હતું કે, આપના MLA ચૈતર વસાવાને ભાજપ સરકારે જુઠા અને નકલી કેસમાં પકડ્યા છે, તેને કારણે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ચૈતર વસાવાના પત્નિ શકુંતલા બેનને પણ ખોટી રીતે ફસાવ્યા છે. ભાજપને જનતા ગુજરાતમાંથી ઉખાડી ફેંકશે. ચૈતર વસાવા જનતા માટે લડે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે, એટલે તેમને જેલમાં નાંખી દીધા હતા.