રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાઃ અમેરિકા, બ્રિટન, યુએઈ સહિત વિદેશી મીડિયાએ શું કહ્યું?
- માત્ર ભારતના લોકો જ નહિ, પરંતુ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ રામ મંદિરની ઉજવણી જોવા મળી રહી છે. વિદેશી મીડિયામાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ખૂબ ચર્ચા થઈ રહી છે.
અયોધ્યા, 22 જાન્યુઆરીઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને અનુષ્ઠાનને પૂર્ણ કર્યા છે અને દેશભરમાં ઉત્સવનો માહોલ છે. આજે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. માત્ર ભારતના લોકો જ નહિ, પરંતુ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ રામ મંદિરની ઉજવણી જોવા મળી રહી છે. વિદેશી મીડિયામાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ખૂબ ચર્ચા થઈ રહી છે.
શું કહ્યું અમેરિકાના મીડિયાએ
યુએસ બ્રોડકાસ્ટર એનબીસી ન્યૂઝે લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. અયોધ્યામાં જે મંદિર બનાવવામાં આવી રહ્યું છે તે મુખ્ય હિન્દુ દેવતા રામનું મંદિર છે. આ મંદિર 30 લાખની વસ્તી ધરાવતા શહેર અયોધ્યાને પ્રવાસન સ્થળમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભાજપ દાયકાઓથી મંદિર બનાવવાની હિમાયત કરી રહ્યું છે અને તેનું ઉદ્ઘાટન હિન્દુ બહુમતીવાળા ભારતમાં મોદીની જીતની તરફેણ કરશે. અમેરિકન અખબારે તેના અહેવાલમાં લખ્યું છે કે દરરોજ લગભગ 2 લાખ ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અખબારે શું કહ્યું?
UAEના અખબાર ગલ્ફ ન્યૂઝે તેના એક અહેવાલનું શીર્ષક આપ્યું છે – નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ભારત માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. અખબારે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાર્ટીના દાયકાઓ જૂના વચનને પૂર્ણ કરવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ ઉજવણી કરી શકે તે માટે અડધા દિવસની રજા જાહેર કરી છે. ભારતનું શેરબજાર પણ બંધ છે. ઘણા રાજ્યોએ તો અડધા કે આખા દિવસની રજા પણ રાખી છે. અખબારે આગળ લખ્યું, ‘મોદીનો હિંદુ રાષ્ટ્રવાદ એ મતદારોમાં તેમની લોકપ્રિયતાનું સૌથી મહત્વપૂર્ણ તત્વ છે.
બ્રિટિશ મીડિયાએ શું કહ્યું?
લંડન સ્થિત ન્યૂઝ એજન્સી રોયટર્સે લખ્યું છે કે, વડાપ્રધાન મોદીના રામ મંદિરના ઉદ્ઘાટનને ઐતિહાસિક ક્ષણ ગણાવીને ભારતીયોને તેમના ઘરો અને નજીકના મંદિરોમાં દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવા વિનંતી કરી છે. રોયટર્સે એમ પણ લખ્યું છે કે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહથી ભારતમાં રાજકીય વિવાદ પણ સર્જાયો છે કારણ કે કોંગ્રેસ સહિત ભારતના તમામ મુખ્ય વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ નકારી કાઢ્યું હતું.
આ પણ વાંચોઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચતા જ આ બિઝનેસમેનની 10 બિલિયન ડૉલરની ડીલ તૂટી