જામનગરઃ રણમલ તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ત્યારે રળિયામણા દ્રશ્ય નિહાળવા અને વરસાદની મોજ માણવા જામનગરવાસીઓ મોટી સંખ્યામાં તળાવની પાળે ઉમટ્યાં છે. આ ઉપરાંત જામનગર શહેરની મધ્યમાં આવેલા શાન સમાન લાખોટા તળાવમાં પાણીની જોરદાર આવક શરૂ થઈ છે. આ ઉપરાંત ચાલુ વરસાદમાં જોરદાર માહોલ વચ્ચે બાળકો સહિત મોટેરાંઓ પણ ભિંજાયા વગર રહી શકતા નથી.
બીજી તરફ જામનગરમાં હવામાન ખાતાની આગાહી મુજબ મોડી રાતથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ત્યારે ફરી પાછાં સવારથી મેઘરાજાએ જામનગરમાં ધામા નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં પણ એક ફૂટથી વધુ નવા નીર આવ્યા છે. તો બીજી તરફ દરેડ નજીક ખોડીયાર માતાજી મંદિરની નહેરમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે.
જામનગરના લાખોટા તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે. કેનાલમાં પણ 30થી 35 ટકા પાણી આવે છે. જેથી જામનગર શહેર માટે ખૂબ જ સારા સમાચાર છે અને આશીર્વાદરૂપ સમાચાર છે. તેવું જામનગર મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર ભાવેશ જાની દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.