ઉદ્ધવ ઠાકરેને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું નિમંત્રણ સ્પીડ પોસ્ટથી અપાતા શિવસેના લાલઘૂમ
નવી મુંબઈ, 21 જાન્યુઆરી 2024: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા ઉદ્ધવ ઠાકરેને રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે સ્પીડ પોસ્ટ દ્વારા આમંત્રણ મળ્યું છે. શિવસેના (UBT) એ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના બે દિવસ પહેલા સ્પીડ પોસ્ટ દ્વારા આ આમંત્રણ મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીનું કહેવું છે કે હવે ભાજપને બાળાસાહેબ ઠાકરેનું નામ લેવાનો કોઈ અધિકાર નથી.
સંજય રાઉતે કહ્યું- ભગવાન રામ તેમને શ્રાપ આપશે
મળતી માહિતી અનુસાર, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે સ્પીડ પોસ્ટ દ્વારા આમંત્રણ મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભગવાન રામ તેમને (આમંત્રણ મોકલનારાઓને) શ્રાપ આપશે. સંજય રાઉતે કહ્યું કે ‘તમે સેલિબ્રિટી અને ફિલ્મ સ્ટાર્સને ખાસ આમંત્રણ આપી રહ્યા છો, જ્યારે તેમને રામ જન્મભૂમિ સાથે કોઈ લેવાદેવા નથી.’
પ્રાર્થના રામની અને સરકાર રાવણની
સંજય રાઉતે કહ્યું કે, રામજન્મભૂમિ આંદોલનમાં ઠાકરે પરિવારે મહત્વની ભૂમિકા ભજવી હતી, ભાજપ તે પરિવાર સાથે આવું વર્તન કરી રહ્યું છે. ભગવાન રામ માફ નહીં કરે, શ્રાપ આપશે. તમે ભગવાન રામને પ્રાર્થના કરો છો અને રાવણની જેમ સરકાર ચલાવો છો. શિવસેના (UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, ‘રામ મંદિર આંદોલનમાં સૌથી વધુ યોગદાન આપનાર પક્ષના વડાને સ્પીડ પોસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દુઃખદ છે…આ પછી ભાજપને બાળાસાહેબ ઠાકરેનું નામ લેવાનો કોઈ અધિકાર નથી.