મૈં અટલ હૂં: લવ લેટર, કવિતાઓ અને રાજકારણની આગ સુધીની જર્ની
- દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વાર્તા “મૈં અટલ હૂં” ફિલ્મમાં બતાવવામાં આવી છે. અટલજીનું પાત્ર બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીએ ભજવ્યું છે
HD ન્યૂઝ ડેસ્ક, 20 જાન્યુઆરી: ‘હાર નહીં માનૂગા, રાહ નઈ ઠાનૂંગા…’ આ શબ્દો દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતાના અંશો છે. વારંવાર હાર્યા પછી પણ હાર ન માની અને પોતાના મુકામ સુધી પહોંચવાની હિંમત કરી, તેમની આ પંક્તિઓ આજે પણ લોકોને હિંમત આપે છે. દેશ માટે રાજકારણના કાદવમાં ઉતરવું અને તે કાદવને પાર કરવું, તેની આગને સહન કરવી, અને કમળની જેમ ખીલવું… આ બધુ ‘મૈં અટલ હૂં’ ફિલ્મમાં બહુ સારી રીતે બતાવ્યું છે.
બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીની ફિલ્મ “મૈં અટલ હૂં” 19 જાન્યુઆરીના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. અને લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહી છે. આ ફિલ્મ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક છે, ફિલ્મમાં અટલજીના જીવનની સ્ટોરી બતાવવામાં આવી છે.
પ્રેમ પત્ર વાળો પ્રેમ
ફિલ્મની વાર્તા કવિતાઓના એ ગામથી શરૂ થાય છે, જ્યાં દરેકના અટલ ત્યારે અટકાયેલા હતા. તેઓ તેમની વાર્તાઓ દ્વારા સ્નેહ અને સદ્ભાવના વરસાવતા હતા. તેમની કવિતાઓની શક્તિ જોઈને લોકો તેમના ભાષણોને પણ પસંદ કરવા લાગ્યા હતા.
આ બધામાંથી પસાર થતાં તેમની ઘણી વખત કસોટી થઈ અને તેમાં થી પણ તેઓ પસાર થયા અને પછી સોનું બનીને તેમણે દેશને ચમકાવ્યો, તેમને ઊંચા શિખર પર લઈ ગયા અને તેમને પરમાણુ શક્તિ બનાવ્યા. ફિલ્મ ‘મૈં અટલ હૂં’માં પૂર્વ પીએમના જીવનના સંઘર્ષની સાથે તે કોમળ ક્ષણની પણ ઝલક જોવા મળી હતી જેને લોકો ‘પ્રેમ’ કહે છે.
આ એ પ્રેમ છે જે આજના પ્રેમ કરતા અનેક ગણો સુંદર હતો. જ્યારે હાવભાવ માટે આંખો પૂરતી હતી અને હૃદયના શબ્દો માટે પ્રેમ પત્રો લખવામાં આવ્યા હતા. ફિલ્મમાં પૂર્વ પીએમ અટલ અને રાજકુમારી કૌલની પ્રેમ કહાની દર્શાવવામાં આવી છે.
આ વાર્તાની શરુઆત 1940 ના દાયકાના મધ્યમાં થઈ હતી. તે સમય દરમિયાન છોકરા-છોકરીઓ ભાગ્યે જ વાત કરતા હતા. તે સમયે ગ્વાલિયરની એક કોલેજમાં રાજકુમારી કૌલને યુવાન અટલ બિહારી વાજપેયીનું ભાષણ ગમી ગયું. ફિલ્મમાં બંને વચ્ચેના આંખના હાવભાવ દર્શાવવામાં આવ્યા છે.
અટલે કૌલ માટે પ્રેમપત્ર એક પુસ્તકમાં રાખ્યો હતો. જોકે તેનો જવાબ તેમને ક્યારેય મળ્યો ન હતો. એવું કહેવાય છે કે કૌલે તેનો જવાબ આપ્યો હતો, પરંતુ તે જવાબ અને પુસ્તક ક્યારેય અટલ સુધી પહોંચ્યું જ ન હતું.
આ પછી કૌલ તેના પરિવાર સાથે દિલ્હી જતી રહી હતી. આ દરમિયાન અટલ પણ રાજકારણમાં સંપૂર્ણપણે તલ્લીન થઈ ગયા. બીજી તરફ રાજકુમારી કૌલના લગ્ન કોલેજના પ્રોફેસર બ્રિજ નારાયણ કૌલ સાથે કરાવી દેવામાં આવ્યા હતા.
ફિલ્મમાં જ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાજકુમારી કૌલ લગભગ દોઢ દાયકા પછી અટલની સામે આવે છે, પરંતુ તે સમયે તે કોઈની માતા અને પત્ની હતી. ત્યારે અટલ પણ સંસદ સભ્ય બની ગયા હતા.
જો કે, અટલ આ પરિવારના પ્રિય બની ગયા. તેઓ તેમની સાથે રહેવા લાગ્યા અને રાજકુમારી કૌલના જીવનની અંતિમ ક્ષણોમાં પણ અટલ તેમની અને તેમના પરિવાર સાથે હતા. બાદમાં તેમણે કૌલની પુત્રીને દત્તક લીધી હતી.
1980ના દાયકામાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે રાજકુમારી કૌલને તેમના અને અટલ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અટલજી અને તેમને ક્યારેય તેમના પતિ શ્રી કૌલની માફી માંગવાની જરૂર નથી લાગી.
તેમણે કહ્યું કે તેની સાથે તેના પતિનો સંબંધ એટલો મજબૂત હતો કે આવી જરૂર ક્યારેય ઊભી થઈ જ ન હતી. 2014માં કૌલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. પરંતુ તેના અને અટલના પ્રેમની કહાની તો ખુલ્લી કિતાબ છે. બંનેમાંથી કોઈએ આ પુસ્તકને કોઈ નામ આપ્યું નહીં, કે ન તો તેમણે ક્યારેય આ વાત કોઈથી છુપાવી.
રાજકારણની આગ સામે ઝઝૂમીને સોના જેવા શુદ્ધ બન્યા
‘એક માતા અને તેના પુત્રએ ભારત માં અને તેમના બાળકોને જે યાતના અને પીડા આપી છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી…’ આ એ લાઈનો છે, જે અટલ બિહારી વાજપેયીનું પાત્ર ભજવતા અભિનેતા પંકજ ત્રિપાઠીએ વરસાદમાં ભીંજાતા-ભીંજાતા કહી હતી.
ભારતીય ઈતિહાસનો એ કાળો સમયગાળો જ્યારે લોકોને બળજબરીથી નસબંધી કરવામાં આવી હતી, વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. ફિલ્મમાં કટોકટીનો એ અંધકારમય સમયગાળો એવી રીતે બતાવવામાં આવ્યો હતો કે જાણે આપણે ત્યાં હાજર હોઈએ એવું લાગી રહ્યું છે.
ફિલ્મમાં અયોધ્યા જઈ રહેલા કાર સેવકો પર ફાયરિંગનું દ્રશ્ય સૌથી ભયાનક હતું. આ સિવાય મહાત્મા ગાંધીની હત્યા બાદ આરએસએસ ઓફિસને આગ લગાડવાનું દ્રશ્ય પણ જોરદાર હતું.
એક સીન એવો પણ હતો, જેને જોઈને દરેકને ભારતીય હોવા પર ગર્વ થવા લાગ્યો. આમાં પંકજ બધાને મીઠાઈ વહેંચતા દેખાય છે. બધા પૂછે છે કે શું થયું છે. તેના પર પંકજ કહે છે, ‘એવું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને કારણે આ વાત ગુપ્ત રાખવામાં આવી હતી.’
પોખરણમાં આ પરીક્ષણ સફળ રહ્યું છે. ભારત હવે અણુશક્તિ બની ગયું છે. પંકજ ત્રિપાઠીએ અટલ બિહારી વાજપેયીના પાત્રને જીવંત કર્યું. ફિલ્મની શરૂઆતમાં તે પોતાના માતા-પિતાના ‘પ્યારે અટલા’ હતા.
આ પછી તેમનું કૉલેજ જીવન, RSS સાથેનું જોડાણ, રાજકારણમાં પ્રવેશ અને ઉદય, વિદેશ પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ અને પછી દેશના વડા પ્રધાન તરીકે તેમનું યોગદાન બતાવવામાં આવ્યું છે, જેમાં પોખરણ ટેસ્ટ, લાહોર બસ યાત્રા, કારગિલ વિજય જેવી મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સાથે જવાહરલાલ નેહરુનું મૃત્યુ, ઈન્દિરા ગાંધીનું વડાપ્રધાન બનવું, ઈમરજન્સીનો સમયગાળો અને ઓપરેશન બ્લુ સ્ટાર પણ ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કોંગ્રેસ પાર્ટીની ખામીઓ પણ અઠળક બતાવવામાં આવી છે.
ચીન સાથે 1962ના યુદ્ધ પછી અટલનું પાત્ર ભજવતા પંકજ ત્રિપાઠી કહે છે, ‘આખા દેશને આ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો અને વડાપ્રધાન વિદેશ નીતિઓથી હારી ગયા. આ સીનમાં પંકજને એક તરફ સ્પીચ આપતા બતાવવામાં આવ્યા છે.
એવામાં જ એક ડાર્ક સીનમાં નેહરુના પાત્રને તેમનું ગુલાબનું ફૂલ ટેબલ પર મૂકેલું બતાવવામાં આવ્યું છે. ફિલ્મનો અડધો ભાગ જોયા પછી જાણે એવું લાગે છે કે આપણી સામેજ ઈતિહાસના પાના આપણી સામે પરી રહ્યા હોય એવું લાગે છે.
ફિલ્મમાં અટલ અને તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી (પીયુષ મિશ્રા) વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને પણ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે બંને એક સાથે કેવી રીતે કાયદાનો અભ્યાસ કરે છે અને કેવી રીતે અટલના પિતા તેમને દરેક બંધનમાંથી મુક્ત કરે છે જેથી તેમને પોતાના પર ગર્વ અનુભવવાની તક મળે.
“નથી ધન, નથી દૌલત, મારી પાસે છે તો માત્રને માત્ર ભારત માતાના આશીર્વાદ”
ફિલ્મના એક દ્રશ્યમાં જ્યારે તે વોટ માંગવા જાય છે ત્યારે કહે છે, ‘હું તમારી પાસેથી આ બધી નિરાશા, દુ:ખ, દર્દ લેવા આવ્યો છું, મારી પાસે ન તો મારા પિતાની સંપત્તિ છે, ન તો કુબેરનો ખજાનો, જો મારી પાસે કંઈ હોય તો માત્ર અને માત્ર ભારત માતાના આશીર્વાદ છે’.
ફિલ્મમાં તેમના જીવનના ડાયલોગ્સ અને અલગ-અલગ વાર્તાઓ જોઈને તમારી આંખો ઘણી વખત ભીની થઈ જશે. પરંતુ ફિલ્મની વાર્તાનો અંત ભારતે 1999માં પાકિસ્તાનથી કારગિલ યુદ્ધ જીતીને કર્યો હતો.
ફિલ્મ જોયા પછી એવું લાગે છે કે આ વાર્તા હજી ઘણી બાકી છે, હજી વધુ જોવાનું બાકી છે, અટલ બિહારી વાજપેયી એક એવું વ્યક્તિત્વ હતું, અને તેમનું જીવન એટલી બધી વાર્તાઓથી ભરેલું છે કે તેને 2 કલાકની ફિલ્મમાં બતાવવું શક્ય નથી.
તેઓ દેશના એવા વડાપ્રધાન રહ્યા છે જેમને સૌથી વધુ પ્રિય માનવામાં આવે છે. તેમણીની રાજકીય વિચારધારાથી લઈને નૈતિક મૂલ્યો, સંવેદનશીલતા, ગતિશીલ વ્યક્તિત્વ અને તીક્ષ્ણ બોલવાની શૈલીથી તેમણે તેમના ચાહકોનું તેમજ તેના વિરોધીઓનું પણ દિલ જીતી લીધું હતું.
તેમના 93 વર્ષના લાંબા જીવનને બાયોપિકના રૂપમાં પડદા પર લાવવાનું ખૂબ જ મુશ્કેલ કામ હતું. જોકે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક રવિ જાધવે તેમની નવી ફિલ્મ ‘મૈં અટલ હૂં’ના રૂપમાં આ પડકાર સ્વીકાર્યો હતો.
દેશના પ્રિય વડા પ્રધાનના જીવનની સિદ્ધિઓની ઘણી વાર્તાઓને આવરી લેવામાં આ ફિલ્મ ઘણી હદ સુધી સફળ રહી છે, પરંતુ તેમ છતાં અટલ બિહારી વાજપેયી એક એવું વ્યક્તિત્વ હતું કે તેમને 2 કલાકની ફિલ્મમાં પુરે-પુરુ આવરી શકાય જ નહીં.
આ પણ વાંચો: ઝલક દિખલા જા 11માં ‘શ્રી રામ’ ગીત પર શિવ ઠાકરેનું જબરદસ્ત પર્ફોર્મન્સ