કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સર્વ સમાજની સાત દીકરીના હસ્તે થશે

  • 21 જાન્યુઆરી, 2024એ શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે સવારે 7 વાગ્યાથી યોજાશે ભવ્યાતિભવ્ય ભૂમિપૂજન સમારોહ
  • નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજ માટે અદ્યતન આરોગ્ય મંદિર (કેન્સર હોસ્પિટલ) નિર્માણ પામશે

રાજકોટ, 19 જાન્યુઆરી: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. સપ્તમ પાટોત્સવ 21-1-2024, રવિવારના શુભ મંગલ અવસરે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લોકો માટે અદ્યતન અને આધુનિક ટેક્નોલોજી સાથે કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન સર્વ સમાજની સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે.

આ ભવ્ય અને દિવ્ય ભૂમિપૂજન સમારોહ ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ખોડલધામ મંદિર-કાગવડ ખાતે 21-1-2024ના રોજ યોજાશે. સવારે 7 વાગ્યાથી 8-30 સુધી ભવ્ય લોકડાયરો યોજાશે. કેન્સર હોસ્પિટલની જગ્યામાં ભૂમિપૂજન વિધિનું 8-30 થી 9 વાગ્યા સુધી લાઈવ પ્રસારણ શ્રી ખોડલધામ મંદિર કાગવડમાં યોજાનાર જાહેર કાર્યક્રમમાં દર્શાવવામાં આવશે. 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભૂમિપૂજન સમારોહમાં પીએમ મોદી વર્ચ્યૂઅલી જોડાશે

શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર આ ભૂમિપૂજન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યૂઅલી જોડાશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

4 હજાર સ્વયંસેવકો સેવા આપશે

શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર ભૂમિપૂજન સમારોહને લઈને હાલ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભૂમિપૂજન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો પધારવાના હોય 700 વીઘામાં અલગ અલગ દિશામાં 6 વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. 21 જાન્યુઆરીના રોજ વ્યવસ્થાના ભાગરૂપે 4 હજાર જેટલા સ્વયંસેવકો મંદિર પરિસર, પાર્કિંગ, સભાખંડ સહિતની જગ્યાએ ખડેપગે રહીને સેવા આપશે.

આ ભૂમિપૂજન સમારોહમાં સમાજના દાતાઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ, રાજકીય, સામાજિક અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની વિવિધ સમિતિઓ જેમ કે, શ્રી ખોડલધામ મુખ્ય સમિતિ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ, શ્રી ખોડલધામ લીગલ સમિતિ, શ્રી ખોડલધામ મીડિયા સમિતિ, શ્રી ખોડલધામ કલાકાર સમિતિ સહિતની અન્ય સમિતિઓના કન્વીનરઓ, સહ કન્વીનરઓ, કાર્યકરો, વિવિધ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો-સભ્યો, અટકથી ચાલતા પરિવારના હોદ્દેદારો-સભ્યો, વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો-સભ્યો, વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો-સભ્યો અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો હાજરી આપશે. આ ભૂમિપૂજન સમારોહમાં પધારવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: શ્રી રામલલાની મૂર્તિના થયા દર્શન, તસવીર થઈ જાહેર

Back to top button