શિવસેના પક્ષમાં ચાલી રહેલો બળવો રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે વધુ ઉગ્ર બની શકે છે. ધારાસભ્યો બાદ શિવસેનાના કેટલાક સાંસદો પાર્ટી લાઇનથી દૂર જતા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહા કે દ્રૌપદી મુર્મુને કોને વોટ આપવામાં આવે તે સવાલ શિવસેના સામે ઊભો છે. આમાં કેટલાક સાંસદો દ્રૌપદી મુર્મુના પક્ષમાં છે, જ્યારે સંજય રાઉતે સાંસદોને કહ્યું છે કે યશવંત સિંહાને સમર્થન આપવું જોઈએ.
અહિં જાણ કરવાની કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના NDA ગઠબંધને દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. બીજી તરફ વિપક્ષે યશવંત સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધો હવે પહેલા જેવા નથી રહ્યા અને સમયની સાથે તે બગડી રહ્યા છે, એવામાં ઉદ્ધવ ઠાકરેના સાથી સંજય રાઉત યશવંત સિંહાને પાર્ટી સમર્થન આપવા માગે છે. જો કે અંતિમ નિર્ણય ઉદ્ધવ ઠાકરે જ કરશે.
સંજય રાઉતે કહ્યું- યશવંત સિન્હાનું સમર્થન કરે
સોમવારે ઉદ્ધવ ઠાકરેએ પોતાના તમામ સાંસદોની બેઠક બોલાવી હતી. બેઠકમાં 19માંથી કુલ 11 સાંસદો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન મોટાભાગના સાંસદોએ ઉદ્ધવને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા અપીલ કરી છે.
આ બેઠકમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ હાજરી આપી હતી. તેમને યશવંત સિંહાને સમર્થન આપવાની સ્પષ્ટ વાત કરી છે. તેઓ ઈચ્છે છે કે રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં વિપક્ષના સામાન્ય ઉમેદવારને શિવસેનાનું સમર્થન મળવું જોઈએ. આવી સ્થિતિમાં, નિર્ણય હવે ઉદ્ધવ ઠાકરેની કોર્ટમાં છે, તેઓ મુર્મુ સાથે જવાનું મન બનાવે છે કે પછી વિપક્ષને સમર્થન આપીને રાજકીય ફલક લગાવો, તેના પર સૌની નજર મંડાયેલી છે.
જો કે, બેઠકમાં 19માંથી માત્ર 11 સાંસદોના આવવા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ દાવો કર્યો કે શિવસેનાના 12 સાંસદો શિંદે કેમ્પના સંપર્કમાં છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી આ મહિને યોજાશે
દેશમાં 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. 21મી જુલાઈએ દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. ચૂંટણીમાં મતદાન માટે ખાસ શાહીવાળી પેન આપવામાં આવશે. મત આપવા માટે તમારે 1,2,3 લખીને નવા મહામહિમની પસંદગી જણાવવી પડશે. જો પ્રથમ પસંદગી આપવામાં નહીં આવે, તો મત રદ કરવામાં આવશે.