ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

સગાભાઈની બેદરકારી ભારે પડી, હાથમાંથી ગુમાવી દીધી સરકારી નોકરી

ગ્વાલિયર (મધ્ય પ્રદેશ), 18 જાન્યુઆરી: એક ભાઈએ તેના સગાભાઈની કારકિર્દી બરબાદ કરી નાખી હોય તેવો કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બન્યો છે. અહીં એક ભાઈએ બીજા ભાઈ પર અતૂટ વિશ્વાસ રાખ્યો પરંતુ તેના બદલામાં તેણે પોતાના હાથમાંથી સરકારી નોકરી ગુમાવી દીધી. રાજ્યના દતિયાના રહેવાસી રાજશીલ કુશવાહાએ MPPSCની પરીક્ષા આપી હતી. ADOPના પદ માટે તેની પસંદગી પણ થઈ ગઈ હતી. પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતના લીધે તેણે તેના ભાઈને પરિણામ જોવા મોકલ્યો. પરિણામ જોઈને પરત આવેલા ભાઈએ રાજશીલને કહ્યું તેની પસંદગી થઈ નથી. જોકે, વાસ્તવમાં રાજશીલ પાસ થઈ ગયો હતો પણ ત્યારે તેને જાણ નહોતી. બાદમાં આ વાતની જાણ થતાં ભાઈની બેદરકારીનો ભોગ બનેલા પીડિતે કોર્ટનો પણ આશરો લીધો હતો પરંતુ ત્યાંથી પણ વીલા મોઢે પાછા આવવું પડ્યું.

શું છે ભાઈના વિશ્વાસઘાતના ભોગ બનેલા રાજશીલની કહાની?

આ સમગ્ર મામલો વર્ષ 2021થી શરૂ થયો હતો, જ્યારે MPPSCએ ADPO માટે પરીક્ષા યોજાઈ હતી. દતિયામાં રહેતા રાજશીલ કુશવાહાએ આ પરીક્ષામાં બેસીને નોકરી મેળવવાનું સપનું જોયું હતું. તેણે પરીક્ષા આપી, પરંતુ અસલી કહાની તો પરીક્ષાના પરિણામ પછી શરૂ થઈ. ફેબ્રુઆરી 2022માં MPPSC દ્વારા પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું . એમપીપીએસસીની વેબસાઈટ પર જાતે પરિણામ તપાસવાને બદલે રાજશીલે તેને તેના ભાઈને મોકલ્યો. ભાઈએ પરત આવીને રાજશીલને કહ્યું કે તેની પસંદગી થઈ નથી. જો કે, એ સમયે પિતાની તબિયત લથડી પડતાં રાજશીલે તેના પિતાની સંભાળ લેવાનું શરૂ કર્યું અને આ બાબત પર વધારે ધ્યાન પણ ન આપ્યું.

રાજશીલે ઈ-મેલ ચેક કરવાની પણ તસ્દી ન લીધી

રાજશીલે ADPO પરીક્ષા પાસ કરી હતી, તેથી તમામ સફળ ઉમેદવારોના દસ્તાવેજો MPPSC દ્વારા ઈ-મેલ દ્વારા ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમથી અજાણ રાજશીલ બેદરકાર રહ્યો અને તેણે ઈમેલ ચેક કરવાની પણ તસ્દી ન લીધી. જ્યારે રાજશીલ તરફથી કોઈ દસ્તાવેજો મોકલવામાં ન આવ્યા ત્યારે MPPSC તરફથી રાજશીલને નોટિસ પાઠવી હતી. રાજશીલને નોટિસ મળી ત્યારે તે દંગ રહી ગયો. નોટિસ મળતાં જ રાજશીલને ખબર પડી કે તેણે ADPO પરીક્ષા પાસ કરી છે. આ પછી તેણે MPPSCમાં અરજી કરી અને ફેબ્રુઆરી 2024માં યોજાનારા ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાની વિનંતી કરી, પરંતુ તેની વિતંતી સ્વીકારવામાં આવી નહીં.

હાઈકોર્ટે સ્વીકાર્યું કે વલણ બેદરકાર હતું

આ પછી રાજશીલે ગ્વાલિયર હાઈકોર્ટમાં અરજી કરી અને ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા દેવામાં આવે તેવી દાદ માગી. પરંતુ, MPPSC વતી હાજર થતાં એડવોકેટ રવિન્દ્ર દીક્ષિતે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે ઉમેદવારનું વલણ ખૂબ જ બેદરકાર છે અને તેથી તેને તક મળવી જોઈએ નહીં. હાઇકોર્ટે પણ સ્વીકાર્યું હતું કે ઉમેદવારે લાપરવાહી દાખવી છે, તેથી હાઇકોર્ટે અરજદારને ઠપકો આપ્યો હતો અને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ભાઈ પર ભરોસો રાખીને રાજશીલની કારકિર્દી હાલમાં બરબાદ થઈ ગઈ છે.

આ પણ વાંચો: NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર, હવે આટલી રકમ જ ઉપાડી શકાશે

Back to top button