વડોદરાની સ્કાય ડાઈવર યુવતીએ થાઈલેન્ડના આકાશમાં ‘જયશ્રી રામ’નું બેનર ફરકાવ્યું
વડોદરા, 18 જાન્યુઆરી 2024, અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવમાં દેશની જનતાએ અનેક પ્રકારે પોતાનું યોગદાન આપ્યું છે. દેશ વિદેશમાં ભગવાન શ્રીરામનું નામ ગૂંજતું કર્યું છે. તાજેતરમાં જ પ્રયાગરાજની એક યુવતીએ આકાશમાં શ્રીરામ નામનું બેનર ફરકાવ્યું હતું. જ્યારે હવે ગુજરાતની પ્રથમ મહિલા સ્કાય ડાઈવર યુવતીએ 13 હજાર ફૂટની ઊંચાઈએથી પ્લેનમાંથી જમ્પ કરીને થાઈલેન્ડના આકાશમાંજય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું છે.
જમ્પ મારવાનો હતો ત્યારે પ્લેનમાં ખામી સર્જાઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતની પ્રથમ સ્કાય ડાઈવર વડોદરાની શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું છે. જોકે આ સ્કાય ડાઇવર યુવતી અત્યાર સુધીમાં 297 વખત આકાશમાંથી કૂદકો મારી ચૂકી છે. સ્કાય ડાઈવર શ્વેતા પરમારે જણાવ્યું હતું કે, દિવાળીના દિવસોમાં મારી મમ્મી સાથે ચર્ચા કરી રહી હતી કે, આપણે ભગવાન શ્રીરામનું સ્વાગત કેવી રીતે કરીએ ત્યારે મારી માતાએ મને આ આઈડિયા આપ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં મેં થાઈલેન્ડમાં જય શ્રીરામ લખેલા બેનરને આકાશમાં ફરકાવવાનું નક્કી કર્યું હતું. જેના માટે હું છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહી હતી. જે દિવસે મારે જમ્પ મારવાનો હતો તે દિવસે પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ભગવાન શ્રીરામની કૃપાથી મેં સારી રીતે જમ્પ માર્યો હતો.
અત્યાર સુધીમાં 297 વખત સ્કાય ડાઈવિંગ કરી ચૂકી છે
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી શ્વેતા પરમાર અલગ અલગ એરક્રાફ્ટમાંથી અત્યાર સુધીમાં 297 વખત સ્કાય ડાઈવિંગ કરી ચૂકી છે. આ ઉપરાંત અન્ય લોકોને પણ આ સ્કાય ડાઈવિંગમાં રસ પડે તે માટે તેમણે સ્કાય ડાઈવ ઇન્ડિયા નામથી અભિયાન શરૂ કર્યું છે અને જેમાં બીજા લોકોને પણ તેમણે સ્કાય ડાઈવિંગ માટે પ્રેરિત કર્યા છે. તેમણે અત્યાર સુધી તેમના અભિયાનમાં 21 લોકોને જોડ્યા છે અને તેમની આ સફર યથાવત્ છે. તેમણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ, BBA અને ત્યાર પછી MBA સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે આકાશમાંથી કૂદકો મારવાના સાહસની શરૂઆત વર્ષ-2016માં કરી હતી.
આ પણ વાંચોઃ BREAKING NEWS : 22મીએ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં બપોર સુધી રજા