
ભુજ, 18 જાન્યુઆરી 2024, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-2ની પરીક્ષા આગામી 21મી જાન્યુઆરીએ યોજાનાર છે.આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડયાએ પ્રતિબંધો ફરમાવ્યા
જિલ્લામાં ઉપરોકત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ પરીક્ષા સ્થળના સંચાલકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઇટ/ડૂપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉતરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડયાએ પ્રતિબંધો ફરમાવ્યા છે.
કોઇપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં
પરીક્ષા કેન્દ્રોની આસપાસની 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં 21 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી સાંજના 6 કલાક સુધી પ્રતિબંધો અમલમાં રહેશે. જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં.પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં.
પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા હોય તે ચકાસીને પ્રવેશ આપવો
પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ પોલીસ કર્મચારીઓ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રોના સંપાદકો, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખકાર્ડ આપવામાં આવેલ છે તે તપાસીને પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. કોઇપણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જવા નહીં તથા મ્યૂઝિક, સંગીત ઈત્યાદી જોરથી વગાડવું નહીં.
આ પણ વાંચોઃબનાસકાંઠા: ડીસામાં બાળકોથી તૈયાર થઈ ભગવાન રામની નામાવલી…!