અમદાવાદ, 17 જાન્યુઆરી 2024, ગુજરાત પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાના ઉકેલ માટે ડૉગ સ્ક્વોર્ડની મદદ લેવામાં આવે છે. ખાસ કરીને ચોરી, લૂંટ, હત્યા સહિતના કેસમાં ડૉગ સ્કવોર્ડ મહત્વપૂર્ણ બની રહે છે. દસથી બાર વરસની ઉંમરે આ ડૉગને સેવા નિવૃત્ત કરવામાં આવે છે. આ નિવૃત્તિ બાદ ડૉગનું જીવન દુષ્કર બની જાય છે. આ ડૉગને અધિકારીનું રેન્કીંગ આપવામાં આવેલું હોય છે. જેથી સુવિધાસભર જીવન જીવી શકે તે માટે રાજ્યમાં પ્રથમ વખત પોલીસના નિવૃત્ત થતાં ડૉગ માટે ઓલ્ડએજ હોમ આણંદમાં બનાવવામાં આવ્યું છે. આ ગૃહમાં ડૉગને રહેવા અને તેમની દેખભાળ તથા સારવાર માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આણંદ પોલીસ હેડક્વાર્ટર ખાતે બનેલા રાજ્યના પ્રથમ અને દેશના બીજા પોલીસ ઓલ્ડએજ ડૉગ હોમ્સનું 25મી જુલાઇના રોજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
નિવૃત્ત ડૉગ માટે 23 અને સેવારત ડૉગ માટે ત્રણ બેરેક છે
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારત દેશમાં નિવૃત્ત ડૉગ માટે પહેલાં એક જ આશ્રયગૃહ હતું. પરંતુ હવે ગુજરાતમાં આ બીજુ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગૃહમાં 16 નિવૃત, બે સેવારત અને બે તાલિમ પામેલા ડૉગ છે. આ કેન્દ્રમાં સેવા નિવૃત્ત ડૉગ માટે 23 અને સેવારત ડૉગ માટે ત્રણ બેરેક છે. અહીં તેમના માટે ભોજન, સારવાર અને દેખભાળ કરવામાં આવે છે. આ ગૃહમાં લાવવામાં આવેલા ડૉગને દિવસનું 700 ગ્રામ દૂધ, 170 ગ્રામ રોટલી, સવારે એક ઈંડુ, સાંજે 280 ગ્રામ બકરાનું માંસ, શાક અને ભાત આપવામાં આવે છે. અહીં લાવવામાં આવેલા ડૉગની ડૉક્ટરો દ્વારા સારવાર અને સ્વાસ્થ્યની ચકાસણી પણ કરવામાં આવે છે.
ડૉગની 15 દિવસમાં એક વખત સ્વાસ્થ્યની ચકાસણી કરાય છે
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કેન્દ્રમાં રાખવામાં આવેલા દરેક ડૉગની 15 દિવસમાં એક વખત સ્વાસ્થ્યની ચકાસણી કરાય છે. જો કોઈ તકલીફ જણાય તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. આ માટે પોલીસનું એક વાહન પણ ફાળવવામાં આવ્યું છે. આ ડૉગને સવારે અને સાંજે બેરેકની બહાર લઈ જવામાં પણ આવે છે. તેમને ખુલ્લામાં રમવા માટે પણ છોડાય છે. ડૉગને રોજ કસરત કરાવાય છે. તેમને જમાડીને ફરી પાછા બેરેકમાં મુકી દેવામાં આવે છે. શનિવાર, રવિવાર અને સાર્વજનિક રજાના દિવસે લોકો પણ આ ડૉગને મળી શકે છે.
આ પણ વાંચોઃ GIFT Cityમાં દોડશે Formula-1 કાર, 2028 સુધી સર્કીટ તૈયાર કરવા સર્વેક્ષણ શરૂ