સુરેન્દ્રનગરમાં કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ, ત્રણ લોકોના મૃત્યુ
સુરેન્દ્રનગર, 17 જાન્યુઆરી 2024, મૂળી-સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. તેમજ એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. આ ત્રણેય મૃતકો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હતા. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગેરકાયદેસર ખનનનું વહન કરતા ડમ્પરોનો ત્રાસ વધ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ત્રણ લોકોના મૃત્યુ થયા છે. કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘૂસી જતાં કારના આગળના ભાગનો કચ્ચણઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આશરે પાંચથી છ વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો છે. ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફલેકટર લાઈટ નહી હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી.રાત્રિ દરમિયાન ગેરકાયદેસર ખનનનું વહન કરતા ડમ્પરોનો ત્રાસ વધ્યો છે.
પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્દશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતના બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલીક દોડી આવી હતી અને પોલીસે તાકીદે ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મૂળીની સરકારી હોસ્પિટલે મોકલી આપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ મૃતકોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા ન હોવાથી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પરંતુ હાઈવે પર માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરોએ વધુ ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં અકસ્માતથી થતાં મોતનો આંકડો જાણી રહેશો દંગ