ગાંધીનગર, 16 જાન્યુઆરી 2024, ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી પરંપરા શરૂ કરી છે. જેની પ્રસંશા પણ થઇ રહી છે. હર્ષ સંઘવીએ તેમના વિભાગમાં સુચના આપી છે કે, ગાંધીનગર ગૃહ મંત્રાલયમાં કોઇ પણ વ્યક્તિ રજૂઆત કરવા માટે આવે તો તેમને માન સન્માન સાથે જમાડીને જ રવાના કરવા. આ માટે તેમણે એક ટીમને કામ સોંપ્યું છે જે રજૂઆત કરવા માટે આવે છે તેઓ જમીને જાય તેનું ધ્યાન રાખે છે.
દરેક વ્યક્તિ અતિથિ સમાન ગણાય છે
ગુજરાતના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સુરતના કાર્યાલયમાં પણ એવી પરંપરા છે કે કોઇ પણ મળવા આવે તો તેમને ચા-પાણી અવશ્ય ઓફર કરવામાં આવે છે. હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, જ્યારે દુર દુરથી લોકો ગાંધીનગર સુધી રજૂઆત કરવા આવતા હોય તેમણે કલાકોની રાહ જોવી પડતી હોય તો તેમને જમાડીને મોકલવા આપણી ફરજ છે.ગૃહ રાજ્યમંત્રી ઓફિસમાં હાજર ન હોય તો પણ ત્યાં આવી ચઢેલાં અતિથિને હંમેશા મીઠો આવકાર અપાય છે. અહીં આવનાર દરેક વ્યક્તિ અતિથિ સમાન ગણાય છે. દૂર ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલો સમાજના છેવાડોનો માનવી પણ અહીં એક અતિથિની જેમ માનપાન સાથે જમીને અને પોતાની સમસ્યાનું સમાધાન થઈ જશે તેની હૈયાધારણા સાથે પરત ફરે છે.
સંવેદનશીલ દ્રષ્ટિકોણ તમામ લોકોમાં જોવા મળતો નથી
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં આ પ્રકારની નવી પરંપરા શરૂ કરીને ગૃહરાજ્ય મંત્રીએ એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. બીજા મંત્રીઓએ પણ તેમનુ અનુકરણ કરવું જોઈએ. વિવિધ મંત્રીઓની ઓફિસમાં દર સોમ-મંગળવારે વિવિધ રજૂઆતો સાથે લોકોના ધાડે ધાડા ઉમટતા હોય છે. પરંતુ જેટલા પણ લોકો ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાં આવે છે એ તમામને સચિવાલયની કેન્ટીનમાં જમાડીને પરત મોકલવાની સ્પષ્ટ સૂચના હર્ષ સંઘવી દ્વારા આપવામા આવી છે. કોઇપણ સામાન્ય માણસ તેની નાની કે મોટી રજૂઆત સાથે છેક ગાંધીનગર સુધી કેટલી તકલીફો સાથે પહોંચે છે, એ વિચારવાની-સમજવાની સંવેદનશીલ દ્રષ્ટિકોણ તમામ લોકોમાં જોવા મળતો નથી.
આ પણ વાંચોઃગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધઃ CM ભૂપેન્દ્રભાઈ