ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત જોડો ન્યાયયાત્રા નાગાલેન્ડ પહોંચી, સ્થાનિકોએ રાહુલ ગાંધીનું ઉમળકાભેર કર્યું સ્વાગત

કોહિમા (નાગાલેન્ડ), 16 જાન્યુઆરી 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ થઈ છે, જે આજે નાગાલેન્ડ પહોંચી હતી. રાજધાની કોહિમામાં ભારત જોડો ન્યાય યાત્રાના આગમન પર રાહુલ ગાંધીનું સ્થાનિક લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યાં રાહુલ ગાંધી કોહિમામાં લોકોને મળ્યા હતા. મહત્ત્વનું છે કે, આજે ભારત જોડો ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે.

નાગાલેન્ડમાં ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીને તમામ સ્થાનિકો સાથે હાથ મિલાવ્યા હતા. જ્યારે ઘણા લોકોએ તેમની સેલ્ફી પણ લીધી હતી. અને રસ્તા પર રાહુલ ગાંધીના નામના નારા પણ લગાવ્યા હતા. પદયાત્રા દરમિયાન રાહુલએ સૌનું ભાવભર્યું અભિવાદન પણ ઝીલ્યું હતું.

કોહિમામાં રાહુલ ગાંધીએ લોકોને સંબોધ્યા

કોહિમામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ગયા વર્ષે અમે દેશ, વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓને એકસાથે લાવવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની (ભારત જોડો યાત્રા હાથ ધરી હતી. આ પછી વિચાર્યું કે,  આપણે પૂર્વથી પશ્ચિમ તરફનો પ્રવાસ કરવો જોઈએ. અમે પૂર્વથી પશ્ચિમ સુધી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરતાં હું ખુશી અનુભવું છું.

આ યાત્રા 110 જિલ્લામાંથી પસાર થશે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ યાત્રાને લીલી ઝંડી આપી હતી. લોકસભાની ચૂંટણી પહેલા હાથ ધરાઈ રહેલી આ યાત્રાને રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. જો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે આ મુલાકાત રાજકીય નથી. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 67 દિવસમાં 15 રાજ્યો અને 110 જિલ્લામાંથી પસાર થશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન અંદાજે 6,700 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. આ યાત્રા મોટાભાગે બસ દ્વારા પૂર્ણ થશે. કેટલીક જગ્યાએ હાઇકિંગ પણ કરવાનું છે.

આ યાત્રા રાજ્યોમાંથી પસાર થશે

આ વખતે મણિપુરથી શરૂ થયેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022 થી 30 જાન્યુઆરી 2023 સુધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ કાઢી હતી. તેમની 136 દિવસની પદયાત્રાએ 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 75 જિલ્લાઓ અને 76 લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થતા 4,081 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

આ પણ વાંચો: કોંગ્રેસે “ન્યાય યાત્રા”નું નામ બદલી “ભારત જોડો ન્યાય યાત્રા” કર્યું, અહીં જાણો રુટ

Back to top button