કેનેડાના આ નિર્ણયથી શું ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન રોળાશે?
ઓટાવા (કેનેડા), 14 જાન્યુઆરી: કેનેડાની સરકાર ભવિષ્યમાં દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને ઘટાડવાનું વિચારી રહી છે. કેનેડામાં વધતી બેરોજગારી અને હાઉસિંગ કટોકટી વચ્ચે, ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે શનિવારે જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિનામાં તેઓ દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા મૂકવાની સંભાવના પર વિચાર કરશે. મંત્રીએ ઈમિગ્રેશન સિસ્ટમમાં સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઘટાડાની યોજના બનાવી રહી છે તેનો ઉલ્લેખ કર્યો નથી.
નેટવર્ક સીટીવી ન્યૂઝ સાથેની એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, હાલમાં કેનેડિયન સંસ્થાઓમાં આશરે 900,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ આંકડો ચિંતાજનક છે. એક ઈન્ટરવ્યૂમાં મિલરે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં કહ્યું કે ‘આ સંખ્યા ખરેખર ચિંતાજનક છે. આ એક એવી સિસ્ટમ છે જે નિયંત્રણ બહાર થઇ ગઇ છે. અમે પ્રથમ અને બીજી ત્રિમાસિકમાં જ ઘરની માગને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એક મર્યાદા નક્કી કરવાની સંભાવનાઓ પર વિચારીશું.’
કેનેડામાં સૌથી વધુ ભારતીયોની સંખ્યા
કોઈપણ દેશની સરખામણીમાં કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સમૂહ ભારતમાંથી આવે છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) ડેટા અનુસાર, નવેમ્બર 2023ના અંત સુધી કુલ 579,075માંથી 215,910 ભારતીય વિદ્યાર્થી હતા, જેમનું પ્રમાણ 37% છે. અગાઉના વર્ષ માટેના આંકડા મુજબ, 548,785માંથી 225,835 ભારતીય વિદ્યાર્થી હતી, એટલે કે 41%થી વધુ ભારતીય અભ્યાસ કરતા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં આ સંખ્યામાં તીવ્ર વધારો થયો છે જ્યારે 2018માં અભ્યાસ પરમિટ મેળવનારા ભારતીયોની સંખ્યા વર્તમાન આંકડા કરતાં અડધા કરતાં પણ ઓછી એટલે કે માત્ર એક લાખ હતી.
પ્રમાણ વધતા કેનેડિયન સરકારે પગલાં લેવાનું વિચાર્યું
કેનેડાએ ગયા વર્ષના અંતથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સંદર્ભમાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. 7 ડિસેમ્બરના રોજ, IRCCએ જાહેરાત કરી હતી કે આ વર્ષે 1 જાન્યુઆરીના રોજ અથવા તે પછી પ્રાપ્ત થયેલી નવી સ્ટડી પરમિટની અરજી માટે એક અરજદાકે હવે 6.14 લાખ રૂપિયાને બદલે અંદાજિત 12.7 લાખ રૂપિયા બતાવવાની જરૂર પડશે. આ બાબતે ઈમિગ્રેશન મંત્રી મિલરે જણાવ્યું કે, આ સિસ્ટમ દ્વારા કેનેડિયન સરકાર ખાતરી કરે છે અરજદાર કેનેડા આવવાની નાણાકીય ક્ષમતા ધરાવે છે કે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હવે સમય આવી ગયો તે અમુક ક્ષેત્રમાં વધતી જતી સંખ્યાને નિયંત્રણમાં રાખીને તેની અસર પર પગલાં લઈએ.
આ પણ વાંચો: શા માટે કેનેડા વિશ્વભરના લોકોને સ્થાયી થવા માટે પ્રિય દેશ છે?