નેપાળમાં બસ બેકાબૂ થતા નદીમાં ખાબકી, બે ભારતીયો સહિત 12નાં મૃત્યુ
કાઠમંડુ (નેપાળ), 13 જાન્યુઆરી: નેપાળમાં એક બસ નદીમાં ખાબકતાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે. કાઠમંડુ જતી બસ રાપ્તી બ્રિજ પરથી પલટી ખાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસમાં 35 મુસાફરો સવાર હતા જેમાંથી 12નાં મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય મુસાફરો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં બે ભારતીય નાગરિક છે. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામ શરૂ કરાયું હતું અને ઘાયલોને ભાલુવાડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અકસ્માતમાં બે ભારતીયોઓએ જીવ ગુમાવ્યો
બસ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મૃતકોમાં બે ભારતીય નાગરિકો પણ સામેલ છે. ડોંગ જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી જનક બહાદુર મોલે 12 મુસાફરોના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાત મુસાફરોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે પાંચનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. મૃતક ભારતીયોની ઓળખ બિહારના માલાહીના રહેવાસી યોગેન્દ્ર રામ અને ઉત્તર પ્રદેશના રહેવાસી મુને તરીકે થઈ છે. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લમ્હી હોસ્પિટલમાં લઈ જવાયા છે.
બસ ચાલકની અટકાયત કરાઈ
પોલીસ સબ ઈન્સેપક્ટર સુંદર તિવારીએ જણાવ્યું હતું કે, તમામ ઈજાગ્રસ્તોને કોહલપુરની નેપાળગંજ મેડિકલ ટીચિંગ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે, આ અકસ્માત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. 28 વર્ષીય બસ ડ્રાઈવર લાલ બહાદુર નેપાળીની પૂછપરછ માટે અટકાયત કરાઈ છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ CM મહેબૂબા મુફ્તીની કારને નડ્યો ગંભીર અકસ્માત