SGCCI દ્વારા વિવનીટ એક્ઝીબિશન-2022 નું સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસની થીમ પર આયોજન
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 23 થી 25 જુલાઇ, ર૦રર દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– 2022’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભારતના કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કરવામાં આવશે.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશન ચેમ્બરનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ગત વર્ષે દેશમાં પ્રથમ વખત ચેમ્બર દ્વારા યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન’ થકી યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ એકઝીબીશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવનીટ એકઝીબીશનનું સેકન્ડ એડીશન યોજાઇ રહયું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ વિવનીટ પ્રદર્શનની થીમ રહેશે. જ્યારે લોટસ સ્ટેમ ફાયબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિકસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલોથીંગ એન્ડ ટેકસટાઇલ્સ વિભાગના ફેકલ્ટી તેમજ પીએચ.ડી. સ્કોલર સુમી હલદર દ્વારા લોટસ સ્ટેમ ફાયબરમાંથી વિવિધ ફેબ્રિકસ બનાવવામાં આવ્યા છે અને તેઓ પણ આ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે. આ ઉપરાંત વિવનીટ પ્રદર્શનમાં લેપેટ ફેબ્રિક પણ બાયર્સનું ખાસ ધ્યાન ખેંચશે. સુરતમાં ખૂબ જ ઓછા વિવર્સ દ્વારા આ ફેબ્રિક બનાવવામાં આવે છે.
ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સરસાણાના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં 1 લાખ 16 હજાર સ્કવેર ફુટ એરિયામાં પીલરલેસ એસી હોલમાં યોજાનાર એકઝીબીશનમાં 150 જેટલા એકઝીબીટર્સ ભાગ લેશે. વિવનીટ એકઝીબીશનના માધ્યમથી તેઓ દેશભરના હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
આ ઉપરાંત દુબઇ ખાતેથી UAE ના ટેકસટાઇલ ટ્રેડર્સનું એસોસીએશન ટેકસટાઇલ મર્ચન્ટ્સ ગૃપ (ટેકસમાસ)ના પ્રમુખ સહિતનું પ્રતિનિધી મંડળ પ્રદર્શનની મુલાકાતે આવશે. દુબઇના ટેકસટાઇલ ટ્રેડર્સ દ્વારા બનાવવામાં આવેલી એપેકસ બોડી એવા ટેકસમાસના 500 જેટલા સભ્યો દ્વારા વિશ્વભરમાં 90 થી વધુ દેશોમાં એકસપોર્ટ કરવામાં આવે છે. આથી તેઓ વિવનીટ પ્રદર્શનની મુલાકાતે આવશે એટલે એકઝીબીટર્સને આંતરરાષ્ટ્રીય કક્ષાના બાયર્સ સાથે સીધો સંપર્ક થશે અને તેઓને ગ્લોબલી બિઝનેસ માટેનું પણ પ્લેટફોર્મ મળી રહેશે.
આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, બ્રોકેડ ફેબ્રિકસ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. એકઝીબીટર્સ નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.
‘વિવનીટ એકઝીબીશન’ના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન થકી એકઝીબીટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે.
પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે. આ ઉપરાંત ટેકસટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનીકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.