ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
શું ગુજરાતમાં 7 વર્ષ કેશુભાઈએ કુશાસન કર્યું હતું ? કોણે કર્યો ભાજપને આવો વેધક સવાલ
રાજકોટમાં આજે કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને ઋત્વિજ મકવાણાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
27 વર્ષથી ભાજપનું શાસન છતાં સત્તાધિશો એવું જ બોલે છે કે 20 વર્ષથી ભાજપનું સુશાસન
ધારાસભ્ય કગથરાએ પત્રકાર પરિષદમાં મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે છતાં પણ ભાજપના સત્તાધિશો વારંવાર એવું બોલે છે કે 20 વર્ષથી ભાજપનું સુશાસન છે. મારો ભાજપની સરકારને એક પ્રશ્ન છે કે, સરકાર 20 વર્ષના સાશનને સુશાસન કહે છે, તો કેશુબાપાનું 7 વર્ષનું સાશન શું કુ-શાસન હતું ?’
ભાજપ એવા દીકરા છે જે પોતાના બાપને ગણે પણ નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર કૃતઘ્ન છે. ભાજપ એવા દીકરા છે જે પોતાના બાપને ગણે પણ નહીં. કેશુભાઈ પટેલને ખભે બેસીને ભાજપની આ સરકારે ગાંધીનગરને સર કર્યું છે છતાં આજે ભાજપના સત્તાધીશો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભૂલી ગયા છે. તેઓ લાલકૃષ્ણ અડવાણીને પણ ભૂલી ગયા છે. આગામી સમયમાં અમે સૌરાષ્ટ્રના લોકો પાસે આ મુદ્દો લઇને જશું.
વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બેરોજગારી, ખેડૂતો પરેશાન, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ લઈને અમે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ અંગે લોકોને જાગૃત કરશું. આ બાબતે સૌરાષ્ટ્રમાં હું અને ઋત્વિજ મકવાણા પ્રવાસો કરશું.
પીએમ તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યાર પછી રૂપિયો નબળો પડ્યો
ઉપરાંત ઋત્વિજ મકવાણાએ મીડિયાને જણાવ્યું હતું કે, તા.21/05/2014માં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યાર પછી રૂપિયો નબળો પડ્યો છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો અને મોરબીમાં 1000 સીરામીક ફેકટરીઓ બંધ થઈ. ગઈ છે. ભાજપમાં સંગઠનમાં પણ માત્ર એક બે વ્યક્તિ પાસે જ નિર્ણય લેવાની સત્તા છે. મુખ્યમંત્રીથી લઈને જિલ્લા પંચાયત પ્રમુખ પાસે સ્વૈચ્છિક નિર્ણય લેવાની સતા હોવાઇ જોઇએ. ભાજપ કાર્યકરો અને પદાધિકારીઓ કોઈ જ નિર્ણય લઈ શકતા નથી તે દયા પાત્ર છે.