ગુજરાતદક્ષિણ ગુજરાત

માંગરોળની પિપોદરા GIDCમાં મીલ માલિકે કારીગરને માર મારતા કામદારોએ હોબાળો મચાવ્યો

Text To Speech

માંગરોળ, 13 જાન્યુઆરી 2024, પિપોદરા GIDCમાં મીલ માલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો. જેને લઈ કારીગરો રસ્તા પર ઉતર્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો હતો. કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસના ગાડીના કાચ તૂટ્યા હતાં. પોલીસે હુમલાને કાબૂ કરવા 6 ટીયરગેસના સેલ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ઘર્યું હતું.

જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે માંગરોળની પિપોદરા GIDCની વિશ્વકર્મા ઇન્દ્રસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે મીલ માલિકે એક કારીગરને માર માર્યો હતો. જેને લઈ કામદાર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા. કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે ટીયરગેસના 6 સેલ છોડ્યા
પોલીસને જોઈ કામદારોનું ટોળુ બેકાબૂ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાશભાગ મચી જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા.મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયરગેસના 6 સેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી. સાથે પોલીસે મીલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં નશામાં ધૂત સિટી બસના ડ્રાઈવરે વિદ્યાર્થીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મૃત્યુ

Back to top button