મકરસંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ
- પોષ મહિનામાં, જ્યારે સૂર્ય ઉત્તરાયણ થઈને મકર રાશિમાં વિરાજમાન થાય છે, ત્યારે આ અવસર દેશના વિવિધ પ્રાંતોમાં અલગ અલગ તહેવારો જેમ કે લોહરી, ક્યાંક ખીચડી, ક્યાંક પોંગલ વગેરેના રૂપમાં ઉજવવામાં આવે છે.
15 જાન્યુઆરી, 2024 ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ થાય તેને સંક્રાંતિ કહેવાય છે. પોષ મહિનામાં, જ્યારે સૂર્ય ઉત્તરાયણ થઈને મકર રાશિમાં વિરાજમાન થાય છે, ત્યારે આ અવસર દેશના વિવિધ પ્રાંતોમાં અલગ અલગ તહેવારો જેમ કે લોહરી, ક્યાંક ખીચડી, ક્યાંક પોંગલ વગેરેના રૂપમાં ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મનો એક એવો તહેવાર છે જેનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે.
મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ
100 ગણું ફળદાયી દાન
પુરાણોમાં મકર સંક્રાંતિને દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન સો ગણું વધીને પરત ફરે છે.
માંગલિક કાર્યો શરૂ
મકરસંક્રાંતિથી સારા દિવસોની શરૂઆત થાય છે, કારણ કે આ દિવસે કમૂર્તા પૂરા થાય છે. ત્યારબાદ લગ્ન, મુંડન, જનોઈ, ગૃહપ્રવેશ જેવા તમામ માંગલિક કાર્યો થઈ શકે છે.
ખૂલે છે સ્વર્ગના દરવાજા
એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખૂલે છે. આ દિવસે પૂજા પાઠ, દાન અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દંતકથા અનુસાર ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું, પરંતુ દક્ષિણાયન સૂર્યના કારણે, તેઓ બાણોની શૈયા પર રહ્યા અને ઉત્તરાયણ સૂર્યની રાહ જોતા રહ્યા અને ઉત્તરાયણના પવિત્ર દિવસે પ્રાણ ત્યાગ્યા.
ગંગાજી ધરતી પર આવ્યાં
મકરસંક્રાંતિના દિવસે માતા ગંગા ધરતી પર પ્રગટ થયાં. ગંગાજળથી જ રાજા ભગીરથના 60,000 પુત્રોને મોક્ષ મળ્યો હતો. ત્યારબાદ ગંગાજી કપિલ મુનિના આશ્રમની બહાર જઈને સમુદ્રમાં સમાઈ ગયાં.
મકરસંક્રાંતિનું વૈજ્ઞાનિક મહત્ત્વ
કેમ ખાઈએ છે તલ અને ગોળ?
સૂર્ય ઉત્તરાયણ થતાં જ પ્રકૃતિમાં પરિવર્તન શરૂ થાય છે. કડકડતી ઠંડી અનુભવતા લોકોને મકરસંક્રાંતિના દિવસથી સૂર્યના તેજ પ્રકાશથી શિયાળા સામે રાહત મળવાની શરૂઆત થાય છે. જો કે મકરસંક્રાંતિ પર ઠંડી તીવ્ર હોય છે, તેથી શરીરને ગરમી પ્રદાન કરતી ખાદ્ય વસ્તુઓ ખાવામાં આવે છે. આ જ કારણ છે કે મકરસંક્રાંતિ પર તલ, ગોળ અને ખીચડી ખાવામાં આવે છે જેથી શરીર ગરમ રહે.
પ્રગતિના માર્ગો ખૂલે છે
પુરાણ અને વિજ્ઞાન બંનેમાં મકરસંક્રાંતિનું ખૂબ મહત્ત્વ છે. ઉત્તરાયણના દિવસથી રાત ટૂંકી અને દિવસો લાંબા થાય છે. કહેવાય છે કે ઉત્તરાયણ બાદ માણસ પ્રગતિ તરફ આગળ વધે છે. ઓછા અંધકાર અને વધુ પ્રકાશના કારણે માનવીની શક્તિ પણ વધે છે.
પતંગ ઉડાડવાનું વૈજ્ઞાનિક મહત્ત્વ
મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું મહત્ત્વ પણ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. સૂર્યપ્રકાશ શરીર માટે તંદુરસ્ત છે. તે ત્વચા અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ પતંગ ઉડાડવા દરમિયાન આપણે થોડા કલાકો સૂર્યપ્રકાશમાં વિતાવીએ છીએ, જે આપણને હેલ્ધી રાખે છે.
આ પણ વાંચોઃ મકરસંક્રાંતિ પર અદ્ભૂત સંયોગઃ માલામાલ થશે આ રાશિના લોકો