પ્રોફેસરની હથેળી કાપનાર 13 વર્ષથી ફરાર PFIનો આતંકી છેવટે ઝડપાયો
- આરોપીએ પોતાનું નામ અને ઓળખ બધું જ બદલી નાખ્યું
- કેસના મુખ્ય અને છેલ્લા ફરાર આરોપી પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું
નવી દિલ્હી, 11 જાન્યુઆરી : કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના આતંકીઓ દ્વારા મલયાલમ પ્રોફેસરની હથેળી કાપી નાખવાના 2010ના કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બુધવારે મુખ્ય અને છેલ્લા ફરાર આરોપીની ધરપકડ કરી હતી. PFIને ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. NIA દ્વારા પકડવામાં આવેલા આરોપીએ પોતાનું નામ અને ઓળખ બધું જ બદલી નાખ્યું હતું. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અર્નાકુલમ જિલ્લાના આશામાનૂરનો રહેવાસી આરોપી સવાદ કન્નુરના મત્તનૂરથી પકડાયો હતો, જે 13 વર્ષથી ફરાર હતો. તેના માથા પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
The National Investigation Agency (NIA) arrested the key and last absconding accused in Kerala’s Professor palm-chopping case today to bring its investigations to a successful culmination. pic.twitter.com/VKn0cgVfXv
— ANI (@ANI) January 10, 2024
આંતરિક પરીક્ષાના પ્રશ્નપત્રમાં કથિત રીતે પ્રોફેટ મોહમ્મદના નામનો વાંધાજનક રીતે ઉપયોગ કરવા બદલ PFI આતંકીઓએ પ્રોફેસર જોસેફની જમણી હથેળી કાપી નાખી હતી અને તેમના ડાબા પગ પર કુહાડીથી હુમલો કર્યો હતો. બાદમાં પ્રોફેસર જોસેફને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
આરોપીને 22 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
સવાદ આ કેસમાં પ્રથમ આરોપી છે. તેને કોચીની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 22 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ન્યુમેન કોલેજના મલયાલમ વિભાગના ભૂતપૂર્વ HOD ટી.જે. જોસેફ પર 4 જુલાઈ 2010ના રોજ અર્નાકુલમ જિલ્લાના મુવાટ્ટુપુઝા ખાતે PFI આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
Professor TJ Joseph’s hand was chopped by religious extremists in Kerala in 2010.
The main accused Savad was living in Kerala with a different name for the last 13 years and NIA nabbed him today with the assistance of Kerala Police. #Kerala #NIA pic.twitter.com/KLAZ91KFv2
— Nirmal Jyothi (@majornirmal) January 10, 2024
બાદમાં જોસેફને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલા 42 આરોપીઓમાંથી 19ને કોર્ટ દ્વારા વિવિધ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ દોષિતોને આજીવન કેદની અને 16ને બેથી આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બાકીના 23 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. NIAના જણાવ્યા અનુસાર, સવાદે જ પ્રોફેસરની હથેળીને ધારદાર હથિયારથી કાપી નાખી હતી. આ ઘટના પછી, તે મધ્ય પૂર્વમાં ભાગી જવામાં સફળ રહ્યો હતો.
મુખ્ય આરોપીની ધરપકડ પર પ્રોફેસર જોસેફે શું કહ્યું?
NIAએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ’10 જાન્યુઆરી, 2011ના રોજ પ્રોફેસર ટી.જે. જોસેફ પર હુમલાના કેસમાં સવાદને ચાર્જશીટ કરવામાં આવી હતી. ભારતમાં PFI દ્વારા અનુસરવામાં આવતી હિંસક ઉગ્રવાદની વિચારધારાને પ્રતિબિંબિત કરતી આ સૌથી શરૂઆતની ઘટનાઓમાંની એક હતી. આ કેસના તમામ આરોપીઓ કાં તો PFI અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના નેતાઓ અથવા કાર્યકરો અથવા કેડર કક્ષાના હતા અને પ્રોફેસર ટી.જે. જોસેફ પરના જીવલેણ હુમલાને લગતા ગુનાઈત કાવતરામાં સક્રિય રીતે સામેલ હતા.
કેસ પર પ્રતિક્રિયા આપતા પ્રોફેસર જોસેફે કહ્યું કે, ‘તેમના માટે, સવાદ મુખ્ય આરોપી નથી પરંતુ મુખ્ય આરોપી તે છે જેણે તેના પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘એક નાગરિક તરીકે, કાયદાકીય વ્યવસ્થાનું સન્માન કરનાર વ્યક્તિ તરીકે, મારા માટે રાહતની વાત છે કે આરોપીની 13 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. તે તપાસકર્તાઓ માટે પ્રથમ અથવા મુખ્ય આરોપી હોઈ શકે છે, પરંતુ મારા હૃદયમાં, તે પ્રથમ આરોપી નથી. હું માનું છું કે મુખ્ય આરોપીઓ તો એ લોકો છે જેમણે મારા પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું અને આખરે મને નુકસાન પહોંચાડનારા લોકોને મોકલ્યા હતા. પરંતુ આ કેસમાં કાવતરાખોરોને આરોપી બનાવવામાં આવ્યા નથી.
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, સવાદને મત્તનુર નગરપાલિકાના બેરામ વોર્ડમાં ભાડાના મકાનમાંથી પકડવામાં આવ્યો હતો, જ્યાં તે શાહજહાંના નામે રહેતો હતો અને સુથારી કામ કરતો હતો.
કેસની સુનાવણી બે તબક્કામાં થઈ અને 19ને સજા ફટકારાઇ
આ કેસની સુનાવણી બે તબક્કામાં થઈ હતી. 2015માં પ્રથમ તબક્કામાં 31 આરોપીઓની તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ 13ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાંથી 10ને ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (UAPA), વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાના ગુનામાં પ્રત્યેકને 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે 3 લોકોએ ગુનેગારોને આશ્રય આપવા બદલ દોષી સાબિત થયા હતા અને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. NIAએ કેરળ હાઈકોર્ટમાં પ્રથમ તબક્કામાં તમામ દોષિતોની સજા વધારવા અને બાકીના દોષિતોને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયની સમીક્ષા કરવા પર અરજી દાખલ કરી છે.
બીજા તબક્કાની સુનાવણી બાદ ગયા વર્ષે જુલાઈમાં ત્રણ દોષિતોને આજીવન કેદ અને અન્ય ત્રણને ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. NIA અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી કાર્યવાહી બાદ, પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા અને તેની સાથે સંકળાયેલા આતંકીઓની ઑફિસો અને રહેઠાણોમાંથી ગુનાઈત દસ્તાવેજો મળી આવ્યા હતા, જેના કારણે ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, PFI અને તેની 8 સંલગ્ન સંસ્થાઓને 28 સપ્ટેમ્બર, 2022ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા UAPA હેઠળ પ્રતિબંધિત કરવામાં આવી હતી.
આ પણ જુઓ :બિહારની શાળામાં મધ્યાહ્ન ભોજન રાંધવા માટે બેન્ચ સળગાવતા હોબાળો