ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં આકાશી આફત, CM અને DyCM કરશે સ્થિતિની સમીક્ષા

Text To Speech

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદે સ્થિતિ વધુ ખરાબ કરી છે. રાજ્યના ગઢચિરોલી, અમરાવતીમાં વરસાદે તબાહી મચાવી છે. દરમિયાન સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચી રહ્યા છે.

મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવનને સીધી અસર થઈ છે. રાજ્યના ગઢચિરોલી, અમરાવતી, નાસિક સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યના 130 જેટલા ગામો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પૂરની સ્થિતિની સમીક્ષા કરવા પૂર્વ મહારાષ્ટ્રના ગઢચિરોલી જઈ રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પૂરની સ્થિતિનો તાગ મેળવવા ગઢચિરોલી જવા રવાના થઈ રહ્યા છે. તેથી આજે યોજાનારી તમામ બેઠકો રદ કરવામાં આવી છે. ગઢચિરોલીમાં વરસાદની સૌથી વધુ પાયમાલી જોવા મળી છે.

મહારાષ્ટ્રમાં પૂર

રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, ગઢચિરોલી ઉપરાંત મરાઠવાડાના હિંગોલી અને નાંદેડ જિલ્લામાં પણ ભારે વરસાદ થયો છે. અગાઉ, સીએમ એકનાથ શિંદેએ હિંગોલીના ડીએમ સાથે ફોન પર વાત કરી હતી અને લોકોને બહાર કાઢવા અને અન્ય પ્રકારની મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. વાસ્તવમાં અહીં ભારે વરસાદને કારણે આસના નદીમાં પૂર આવ્યું છે અને તેનું પાણી ખેતરો અને ગામોમાં ઘૂસી ગયું છે.

ભારે વરસાદની સૌથી વધુ અસર ગઢચિરોલીમાં જોવા મળી છે. જિલ્લામાં 120થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. વરસાદના કારણે નદીઓના જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયા છે. ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને રાજ્યમાં NDRFની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે.

કોલ્હાપુરમાં પૂરે સર્જી તારાજી

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે થયેલા અકસ્માતોમાં અત્યાર સુધીમાં 76 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના રત્નાગીરી સહિત ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આઠ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

Back to top button