ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

EDએ ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું, શ્રીનગર ઓફિસનું તેડું

  • જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં પૂછપરછ
  • 2022માં શ્રીનગર લોકસભા સીટના સાંસદ બનેલા ફારૂક અબ્દુલ્લા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી, 11 જાન્યુઆરી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ગુરુવારે તેની શ્રીનગર ઓફિસમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે. મળતી માહિતી મુજબ, 86 વર્ષીય રાજનેતાને જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)માં ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યું છે. EDએ 2022માં શ્રીનગર લોકસભા સીટના સાંસદ બનેલા ફારૂક અબ્દુલ્લા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ સીબીઆઈ દ્વારા 2018માં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર આધારિત છે.

 

મની લોન્ડરિંગનો સંપૂર્ણ મામલો  

EDએ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) ના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. EDએ વર્ષ 2022માં JKCAમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અંગે ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલો જમ્મુ-કાશ્મીર ક્રિકેટના ફંડની હેરાફેરી સાથે સંબંધિત છે. આ ફંડ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સહિત ઘણા લોકોએ તેમના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યું હતું. CBI દ્વારા JKCA અધિકારીઓ સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે EDએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી.

ED અને CBI બંને કરી રહી છે તપાસ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર JKCA પ્રમુખ તરીકેના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ફારુક અબ્દુલ્લા 2001થી 2012 સુધી JKCAના પ્રમુખ હતા. ED અને CBI બંને તેમની સામેના આરોપોની તપાસ કરી રહી છે. અગાઉ, EDએ JKCAમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ફારુક અબ્દુલ્લાને મે-2022માં દિલ્હીમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. તાજેતરમાં, EDએ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની-લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન્સ મોકલ્યા હતા. આ સિવાય EDએ દિલ્હી એક્સાઇઝ કેસને લઈને અનેક વખત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. વિરોધ પક્ષો સતત કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યા છે.

આ પણ જુઓ :ED અધિકારીઓ ઉપર હુમલા મામલે કેન્દ્ર સરકારે મમતા સરકાર પાસે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો

Back to top button