બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રમાં શિંદે જૂથ જ અસલી શિવસેના, ઉદ્ધવ જૂથને ફટકો
મુંબઈ (મહારાષ્ટ્ર), 10 જાન્યુઆરી: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નરવેકરે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસ પર ચુકાદો આપતા એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના ગણાવી છે. મળતી માહિતી મુજબ સ્પીકર રાહુલ નાર્વેકરે 1200 પેજનો ચુકાદો તૈયાર કર્યો હતો. સ્પીકરે લગભગ પાંચ વાગ્યા પછી તેમનો ચુકાદો વાંચવાનું શરૂ કર્યું હતું અને અંતે ઠરાવ્યું કે, શિંદે જૂથની શિવસેના જ અસલી શિવસેના છે. આમ મહારાષ્ટ્રમાં શિવસેનાની ખેંચતાણમાં શિંદે જૂથનો વિજય થયો છે અને ઉદ્ધવ ઠાકરે જૂથને હારનો સામનો કરવો પડ્યો છે.
પોતાના ચુકાદામાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નરવેકરે ઠરાવ્યું કે, શિવસેના પક્ષનું જે મૂળ બંધારણ હતું તેમાં પ્રમુખપદના હોદ્દાની કોઈ જોગવાઈ નહોતી. એ બંધારણ અનુસાર પક્ષના કોઈપણ નિર્ણય રાષ્ટ્રીય કારોબારી જ લઈ શકે, કોઈ એક વ્યક્તિ નહીં. અને આ રીતે 2018માં જે નવું બંધારણ બનાવ્યું તે માન્ય રહેતું નથી. સ્પીકરે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો જે નિર્ણય લીધો હતો તે શિવસેનાના મૂળ બંધારણ અનુસાર નહોતો અને તેથી તે ટકતો નથી.
રાહુલ નરવેકરે તેમના ચુકાદામાં ચૂંટણીપંચે લીધેલી નોંધનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. નોંધપાત્ર છે કે, શિવસેનાના બંને જૂથે ભારતના ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી ત્યારે ચૂંટણીપંચે પણ શિંદે જૂથની શિવસેનાને જ માન્ય રાખી હતી. આમ હવે ઉદ્ધવ જૂથને ચૂંટણીપંચ ઉપરાંત રાજ્ય વિધાનસભાના સ્પીકરના ચુકાદામાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.
શું છે સમગ્ર મામલો?
2019ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી અને 56 બેઠકો જીતી હતી. જૂન 2022માં જ્યારે શિંદે જૂથે શિવસેના અને ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો, ત્યારે તેમની પાસે 16 ધારાસભ્યોનું સમર્થન હતું. એટલે કે બળવો કરનારા સભ્યોની સંખ્યા બે તૃતીયાંશ ન હતી. આવી સ્થિતિમાં તેમના પર ગેરલાયકાતની તલવાર લટકી રહી હતી. અવિભાજિત શિવસેનાના મુખ્ય દંડક તરીકે સુનીલ પ્રભુએ શિંદે અને અન્ય 15 ધારાસભ્યો સામે વિધાનસભા સભ્યપદમાંથી ગેરલાયક ઠરવાની નોટિસ આપી હતી. શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન શિંદે જૂથના ધારાસભ્યોની સંખ્યા વધીને 40 થઈ ગઈ છે. એટલે કે જ્યારે અગાઉ બળવાખોર ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે તેમની સંખ્યા માત્ર 16 હતી. ત્યારબાદ અસલી શિવસેના કોની છે તેના પર વિવાદ સર્જાયો હતો.
મહારાષ્ટ્ર રાજકારણની અત્યાર સુધીની ટાઈમલાઈન
- 25 જૂન 2022ના રોજ ડેપ્યુટી સ્પીકરે 16 ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની નોટિસ પાઠવી. ત્યારબાદ બળવાખોર ધારાસભ્ય સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
- 26 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડેપ્યુટી સ્પીકરે નોટિસ મોકલી. ત્યારબાદ રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા જણાવ્યું હતું.
- 29 જૂન 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો, આ પછી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
- 30 જૂન 2022ના રોજ એકનાથ શિંદ મહારાષ્ટરના નવા મુખ્યમંત્રી બન્યા હતા.
- 3 જુલાઈ 2022ના રોજ વિધાનસભાના સ્પીકરે શિંદે જૂથને ગૃહમાં માન્યતા આપી. તેના પહેલા જ શિંદેએ વિશ્વાસ મત હાંસલ કરી લીધો હતો.
- 3 ઓગસ્ટ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે શિંદે જૂથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા ઠપકો આપ્યો હતો.
- 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, જ્યા સુધી આ કેસ સુપ્રીમમાં છે ત્યાં સુધી ચૂંટણી પંચ કોઈ નિર્ણય લઈ શકશે નહીં.
- 23 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આ મામલો બંધારણીય બેન્ચને ટ્રાન્સફર કર્યો હતો.
- માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મામલાની સુનાવણી કરતાં આ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો .
- આ કેસમાં 14 ડિસેમ્બર 2023ના રોજ થયેલી સુનાવણીમાં CJI DY ચંદ્રચુડે ચુકાદો સંભળાવવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2023થી વધારીને 10 જાન્યુઆરી 2024 કરી હતી.
2022માં એકનાથ શિંદેએ ઠાકરે સામે બળવો કર્યો
જૂન 2022માં એકનાથ શિંદે અને ઘણા ધારાસભ્યોએ તત્કાલીન સીએમ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો, જેના કારણે શિવસેનામાં વિભાજન થયું હતું. ત્યારબાદ, સત્તાધારી મહા વિકાસ અઘાડી સરકાર પડી, જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ પણ સામેલ હતી. શિંદેએ ત્યારબાદ ભાજપ સાથે સરકાર બનાવી અને બાદમાં અજિત પવારની આગેવાની હેઠળના NCPથી અલગ થયેલા જૂથ સાથે હાથ મિલાવ્યા. શિંદે અને ઠાકરે બંને જૂથોએ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ એકબીજા સામે કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો: શિંદેના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગનો મામલો, SCએ વિધાનસભા અધ્યક્ષને આપ્યા મહત્વપૂર્ણ નિર્દેશ