ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જાપાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ઉઠ્યું, હોન્શુના પશ્ચિમ કાંઠે 6.0ની તીવ્રતા નોંધાઈ

  • અગાઉ આવેલા 7.6ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં 160થી વધુના મૃત્યુ 

ટોક્યો, 9 જાન્યુઆરી : જાપાનની ધરતી ફરી એકવાર ભૂકંપથી હચમચી ગઈ છે. જાપાનમાં હોન્શુના પશ્ચિમ કાંઠે 6.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે, પરંતુ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, ભૂકંપ જાપાનના સમુદ્ર કિનારે ત્રાટક્યો હતો, જે દેશના તે જ ભાગને અથડાયો હતો જ્યાં 1 જાન્યુઆરીએ જાપાનના મધ્ય ભાગોમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારે ભૂકંપને કારણે વ્યાપક વિનાશ થયું અને 160થી વધુના મૃત્યુ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 100 લોકો હજુ પણ ગુમ થયેલા છે.

 

ભૂકંપમાં અત્યાર સુધીમાં 161 લોકોના થયા મૃત્યુ

આ વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં ખતરનાક ભૂકંપ આવ્યો હતો. 7.6ની તીવ્રતાના આ ભૂકંપે સમગ્ર દેશમાં તબાહી મચાવી હતી. જેમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં વધુ ભૂકંપ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. 1 જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 161 લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો દુકાનો-મકાનોને નુકસાન થયું છે. 1 જાન્યુઆરીએ આવેલા ભૂકંપ બાદ અનેક ઘરોમાં વીજળી સંકટ છે. જાપાનના ઇશિકાવા પ્રાંતના રહેવાસીઓ હજુ પણ પાવર કટનો સામનો કરી રહ્યા છે. એનામિઝુમાં 1,900 ઘરો પાવર વગરના હતા અને ઇશિકાવા પ્રીફેક્ચરમાં લગભગ 20,000 ઘરો પાવર વગરના છે તેમજ ટેલિફોન સેવા પણ બંધ છે.

નોટો પેનિન્સુલામાં ભૂસ્ખલનના ભયની ચેતવણી

એક અઠવાડિયા પહેલા જાપાનના પશ્ચિમ કિનારે આવેલા ભૂકંપથી રાતોરાત બેઘર થયેલા હજારો લોકો થાક અને અનિશ્ચિતતાની સ્થિતિમાં જીવી રહ્યા છે. સોમવારે 7.6 તીવ્રતાના ભૂકંપ પછી બચાવ પ્રયાસોમાં હજારો સૈનિકો, અગ્નિશામકો અને પોલીસ કાટમાળ હેઠળના લોકોની શોધમાં સામેલ થયા હતા. સત્તાવાળાઓએ ઇશિકાવા પ્રાંતમાં નોટો પેનિન્સુલામાં ભૂસ્ખલનના ભયની ચેતવણી આપી છે, જ્યાં ભૂકંપ આવ્યો હતો. ત્યાં હિમવર્ષાના કારણે આ ખતરો વધી ગયો છે.

ભૂકંપ બાદ લગભગ 30,000 લોકો બેઘર બન્યા

ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોમાંથી 70 વાજીમા, 70 સુઝુ, 11 અનામિઝુમાં અને બાકીના ચાર શહેરોમાં મૃત્યુ પામ્યા હતા. ઓછામાં ઓછા 103 લોકો હજુ પણ ગુમ છે, 565 ઘાયલ છે અને 1,390 ઘરો નાશ પામ્યા છે અથવા નોંધપાત્ર રીતે નુકસાન થયું છે. ભૂકંપ પછી લગભગ 30,000 લોકો શાળાઓ, ઓડિટોરિયમ અને અન્ય સ્થળાંતર કેન્દ્રોમાં રોકાયા છે અને તેઓ COVID-19 ચેપ અને અન્ય રોગોના કેસોને લઈને ચિંતિત છે. શેલ્ટર હોમમાં લોકો હજુ પણ ઠંડા ફ્લોર પર સૂવા માટે મજબૂર છે. ઘણા લોકો થાક અને ચિંતાથી પીડાય છે અને ઘણા શોકમાં ડૂબેલા છે.

આ પણ જુઓ :જાપાનના વાઇસ મિનિસ્ટર સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ જાપાનમાં ભૂકંપ અંગે સંવેદના વ્યક્ત કરી

Back to top button