LRD આંદોલનનો હવે અંત આવ્યો છે. અત્યારે ગૃહમંત્રી હર્ષસંઘવીએ યુવાઓને રોજગારી મળે તથા અન્ય સરકારી સેવાને ધ્યાનમાં રાખતા વર્ષ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી લોકરક્ષક દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10% ને બદલે 20% વેઈટિંગ લિસ્ટ કરાશે. આ અંગે સરકાર 2 દિવસમાં સત્તાવાર પરિપત્ર જાહેર કરશે.
સરકારે 20 ટકા વેઈટિંગ લિસ્ટની માગ સ્વીકારી
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારે પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ સંવર્ગની આશરે 10 હજાર જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ હાથ ધર્યો હતો. આની સાથે જ રાજ્યમાં આધુનિક સાધનોની સહાયથી વધુ યુવા પોલીસ દળ બને એના માટે સરકારે ખાસ કિસ્સામાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવાની જાહેરાત કરી છે.
એટલું જ નહીં આ મહત્વના નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા અને નોકરી મેળવવાની આશાને તિલાંજલિ આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડાવવાની તક મળશે. હર્ષ સંઘવીએ આ વિશે કહ્યું હતું કે 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક 12,198 જગ્યા પર સીધી ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેનું પરિણામ 2020માં આવ્યા હતું, પરંતુ વેઈટિંગ લિસ્ટ બનાવાયું નહોતું.
3 વર્ષથી ચાલતા આંદોલનનો અંત
6 ડિસેમ્બર 2019ના દિવસે તત્કાલિક ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ 20 ટકા વેઈટિંગ લિસ્ટ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ અત્યારસુધી આનો અમલ થયો નહોતો. તેવામાં આ મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું. છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા આંદોલન મુદ્દે સરકારે વાતચીત કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેવામાં આજે બપોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉમેદવારે સાથેની ખાસ ચર્ચા પછી સરકારે 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરી ઐતિહાસિક નિર્ણય લીધો છે.