બનાસ ડેરીની સાધારણ સભામાં ભાવફેરની રકમ રૂ. 1650 કરોડ જાહેર કરાઇ
એશિયાની સૌથી મોટી ગણાતી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા 11 જુલાઈને સોમવારે પાલનપુર ખાતે યોજાઇ. બનાસ ડેરીની સાધારણ સભામાં જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પશુપાલક ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમની ઉપસ્થિતિમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા વર્ષના અંતે રૂ. 851 પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધનો ભાવ ચુકવાશે. જ્યારે ભાવ ફેર પેટે રૂ.1650.71 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે તેમ તેમને જણાવ્યું હતું આ ભાવ વધારો રૂ. 1100 કરોડથી વધારીને રૂ. 1650 કરોડ ચૂકવવાની જાહેરાત શંકરભાઈ ચૌધરીએ કરતા પશુપાલકોમાં ખુશીની લાગણી પ્રસરી છે. આમ ટકાવારી પ્રમાણે ભાવ વધારો જોતા 19.12 ટકા જેટલો થવા જાય છે.
ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોનું સન્માન કરાયુ
બનાસ ડેરી દ્વારા વર્ગ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવનાર દસ મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં એક ઉચ્ચ કક્ષાનો ઓફિસર કરતાં પણ વધુ આવક તેમણે મેળવી હતી. જેમાં પ્રથમ નંબરે વડગામ તાલુકાના નગાણા ગામના નવલબેન દલસંગભાઈ ચૌધરીએ 2,65,113 લીટર દૂધ ભરાવીને રૂપિયા એક કરોડ 42 લાખની આવક મેળવી છે. બીજા નંબરે વડગામ તાલુકાના જોઈતા ગામના ચાવડા હંસાબેન હિમતસિંહએ 3,39,000 લિટર દૂધ ભરાવીને રૂ. 1 કરોડ 18 લાખની આવક મેળવી છે. જ્યારે ત્રીજા નંબરે પાલનપુર તાલુકાના સાગરોસણા ગામના લોહ નીતાબેન દીપકભાઈએ 2,54,000 લિટર દૂધ ભરાવીને રૂપિયા એક કરોડ 19 લાખની આવક મેળવી છે. આમ પ્રથમ 10 મહિલા પશુપાલકોનો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના હસ્તે સર્ટિફિકેટ અને ઈનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.