ટ્રેન્ડિંગનેશનલવિશેષ

સોશિયલ મીડિયાનો લાભઃ 8 વર્ષથી ગુમ રોહિતનું ઇન્સ્ટાગ્રામને કારણે પરિવાર સાથે મિલન

Text To Speech

મધ્યપ્રદેશ, 09 જાન્યુઆરી : સમાજમાં સોશિયલ મીડિયાની ખરાબ અસરોની સાથે ક્યારેક- ક્યારેક સોશિયલ મીડિયા ઘણા માટે વરદાન પણ સાબિત થાય છે. રોહિત સાથે પણ આવી જ ઘટના બની હતી. મધ્યપ્રદેશના ખરગોનમાં 8 વર્ષ પહેલા ગુમ થયેલો રોહિત ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના માતા-પિતા અને પરિવારને ફરી મળી શક્યો.

આ કિસ્સો ખરગોન જિલ્લાના ભીકનગામ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. વર્ષ 2016માં એટલે કે 8 વર્ષ પહેલા ફેબ્રુઆરી મહિનામાં 7 વર્ષનો રોહિત ડાવર તેના ઘરથી 3 કિમી દૂર આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં ગયો હતો. જ્યારે રોહિત સાંજ સુધી શાળાએથી ઘરે પરત ન ફર્યો ત્યારે પરિવારના સભ્યોએ મિત્રોના ઘરે તેમજ સંબંધીઓના ઘરે અને નજીકના ગામોમાં તેની શોધખોળ કરી હતી. ત્યારબાદ તેના માતાપિતાએ ભીકનગામ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

2016માં સેન્ટ મેરી સ્કૂલમાંથી રોહિત ગુમ થયો, ત્યારબાદ તે ટ્રેન દ્વારા આગ્રા રેલવે સ્ટેશન પહોંચ્યો હતો, ત્યાં તેણે નાસ્તો કર્યો અને લોકો પાસે કામ માગ્યું. આ દરમિયાન રેલવે સ્ટેશન પર માસૂમ રોહિત અશોક નામના વ્યક્તિને મળ્યો જે ઉત્તર પ્રદેશના ઉન્નાવનો રહેવાસી હતો. એ પછી અશોક રોહિતને પોતાની સાથે ગામડે લઈ ગયો હતો. જ્યાં રોહિત લગભગ 5 વર્ષ રહ્યો. ત્યાર પછી અશોકે તેના સંબંધીઓના માધ્યમથી રોહિતને કામ કરવા માટે લુધિયાણા મોકલ્યો હતો.

25 ડિસેમ્બર 2023ના રોજ રોહિત ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યો હતો. જ્યાં રોહિતે તેના ભાઈનો ફોટો જોયો તેણે તેના ભાઈની પ્રોફાઈલ સર્ચ કરી તો ત્યાં તેને તેના પરિવારનો ફોટો જોવા મળ્યો. ફોટો જોયા પછી રોહિતે ચેટ દ્વારા તેના ભાઈ પાસે તેનો મોબાઈલ નંબર માંગ્યો અને તેના માતા-પિતા સાથે વાત કરી. આ પછી રોહિત 3જી જાન્યુઆરીએ લુધિયાણાથી તેના ઘરે છેંદિયા પહોંચ્યો હતો.

માતા-પિતા રોહિતને લઈને ભીકનગામ પોલીસ સ્ટેશન પહોંચ્યાં. પોલીસે કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ રોહિતને તેના માતા-પિતાને સોંપી દીધો હતો. રોહિત પોતાના માતા-પિતાને જોઈને ભાવુક થઈ ગયો અને મીડિયાની સામે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો : લક્ષદ્વીપ ભારતનો ભાગ કેવી રીતે બન્યો, ત્યાં જવા માટે પરમિટ શા માટે જરૂરી છે?

Back to top button