માલદીવની રાજનીતિમાં ભૂકંપ, પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી

- PM મોદી અને ભારતીયો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓને પગલે પ્રમુખની મુશ્કેલીઓ વધી
- કેટલાક નેતાઓ પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુને સત્તા પરથી હટાવવામાં વ્યસ્ત
નવી દિલ્હી, 9 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના નાગરિકો (ભારત-માલદીવ વિવાદ) પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. તેનો ફાયદો ઉઠાવીને વિપક્ષો હવે પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુને સત્તા પરથી હટાવવામાં વ્યસ્ત છે. માલદીવમાં સંસદીય લઘુમતી નેતા અલી અઝીમે સોમવારે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા હાકલ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુને સત્તા પરથી હટાવવામાં મદદની અપીલ કરી છે.
માલદીવના નેતાએ શું કહ્યું ?
માલદીવના નેતા અલી અઝીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું કે, “અમે દેશની વિદેશ નીતિની સ્થિરતા જાળવવા અને કોઈપણ પડોશી દેશને અલગ થવાથી બચાવવા માટે સમર્પિત છીએ.” તેમણે તેમની ડેમોક્રેટ પાર્ટીને પૂછ્યું, “શું તમે પ્રમુખ મુઇઝ્ઝુને સત્તા પરથી હટાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છો? શું માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા તૈયાર છે?”
ટૂરિઝમ એસોસિએશને પણ મંત્રીઓની કરી હતી ટીકા
ભારત સાથે વિવાદ માલદીવ પર ભારે પડી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓના બુકિંગ કેન્સલ અને ટ્રાવેલ કંપનીઓના વિરોધ બાદ હવે માલદીવના ટૂરિઝમ એસોસિએશને પણ પોતાના મંત્રીઓના નિવેદનોની ટીકા કરી હતી. માલદીવ એસોસિએશન ઓફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી (MATI) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “તે ભારતીય વડાપ્રધાન અને ભારતના લોકો વિરુદ્ધ તેના મંત્રીઓની ટિપ્પણીની નિંદા કરે છે.”
માલદીવ જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે ભારતે કરી મદદ
માલદીવ ટૂરિઝમ એસોસિએશને વધુમાં કહ્યું કે, ‘ભારત અમારો નજીકનો પાડોશી અને સાથી છે. ઈતિહાસમાં જ્યારે પણ આપણો દેશ કટોકટીથી ઘેરાયેલો છે ત્યારે પ્રથમ પ્રતિક્રિયા ભારત તરફથી આવી છે. સરકારની સાથે સાથે અમે ભારતના લોકોના પણ આભારી છીએ કે તેઓએ અમારી સાથે આવા ગાઢ સંબંધો બાંધ્યા છે. માલદીવના પ્રવાસન ક્ષેત્રમાં પણ ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આનાથી આપણા પ્રવાસન ક્ષેત્રને કોવિડ-19 પછી પુનઃપ્રાપ્તિમાં ઘણી મદદ મળી છે. માલદીવ માટે ભારત ટોચના બજારોમાંનું એક છે.
માલદીવ સરકારે ભારતની માફી માંગવી જોઈએ: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
ભારતીય વડાપ્રધાન પરના નિવેદન બાદ માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબએ કહ્યું હતું કે, માલદીવ સરકારે ભારતની માફી માંગવી જોઈએ. રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ આ રાજદ્વારી સંકટના ઉકેલ માટે PM મોદી પાસે જવું જોઈએ. ભારતીય નેતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સ્વીકાર્ય નથી.
સંબંધ કેવી રીતે બગડવા લાગ્યા?
આ સમગ્ર મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ શરૂ થયો હતો. લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની યોજના બનાવવાની અપીલ કરી હતી. આ પછી માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે ટ્વીટની ટીકા થયા બાદ તેણે તેને ડીલીટ પણ કરી દીધું હતું. જો કે, બાદમાં મરિયમ શિયુના સહિત ત્રણ મંત્રીઓને માલદીવ સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ મુઈઝઝૂ હાલમાં માલદીવમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યા છે.
આ પણ જુઓ :બીગ બી થયા આકરા પાણીએઃ અમારી આત્મનિર્ભરતાને ન પડકારો